બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ, વિદ્યાર્થીઓની હાજરી સાથે પરીક્ષાઓ લેવાશે
ધો. ૯થી ૧૨ની પ્રથમ પરીક્ષા ૧૯થી ૨૭ માર્ચ અને વાર્ષિક પરીક્ષા ૭ જૂનથી ૧૫મી જૂન વચ્ચે યોજાશે
ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.૯થી ૧૨માં પ્રથમ પરીક્ષા અને ધો.૯ અને ૧૧માં વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર કરી છે. જે મજુબ ધો.૯થી૧૨માં ૧૯મી માર્ચથી પ્રથમ સત્ર પરીક્ષા શરૂ થશે અને ૭ જુનથી ધો.૯ અને ૧૧માં વાર્ષિક પરીક્ષા લેવાશે. કોરોનાની સ્થિતિ સુધરતા સરકારે ૧૧ જાન્યુઆરીથી રાજ્યમાં ધોરણ ૧૦-૧૨ની અને ત્યારબાદ ધો.૯ અને ૧૧ની સ્કૂલો વિદ્યાર્થીઓની હાજરી સાથે રેગ્યુલર શરૂ કરી છે.
હવે સ્કૂલોમાં જ વિદ્યાર્થીઓની હાજરી સાથે પરીક્ષાઓ પણ લેવાશે. ધોરણ ૯થી ૧૨ની પ્રથમ પરીક્ષા ૧૯થી ૨૭ માર્ચ દરમિયાન યોજાશે અને વાર્ષિક પરીક્ષા ૭ જૂનથી ૧૫મી જૂન વચ્ચે યોજાશે. સ્કૂલોએ પોતાની રીતે પ્રથમ સત્ર અને વાર્ષિક પરીક્ષા લેવાની રહેશે. બોર્ડ દ્વારા ધો.૯થી૧૨માં ૩૦ ટકા અભ્યાસક્રમ ઘટાડી દેવાયો છે ત્યારે સ્કૂલો બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ૭૦ ટકા અભ્યાસક્રમ મુજબ અને નવા પ્રશ્નપત્ર પરિરૂપ મુજબ પરીક્ષા લેવાની રહેશે. ચાલુ શૈક્ષણિક વર્ષે બીજા સત્રની પરીક્ષા નહી લેવાય. આ વર્ષે બીજા સત્રની પરીક્ષા જ થનાર ન હોવાથી માત્ર પ્રથમ પરીક્ષાના પરિણામમાંથી આંતરિક મુલ્યાંકનના ગુણ સ્કૂલોએ મુકવાના રહેશે.
Recent Comments