fbpx
બોલિવૂડ

બોલિવૂડ ફિલ્મોના જાણીતા સંવાદ લેખક સુબોધ ચોપરાનું થયું નિધન

સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીની આ બીજી લહેર વધુ સંક્રામક સાબિત થઈ રહી છે. ત્યારે હવે એવા સમાચાર જાણવા મળ્યા છે કે બોલિવૂડ ફિલ્મોના જાણીતા સંવાદ લેખક (ડાયલોગ રાઈટર) સુબોધ ચોપરાનું નિધન થયું છે. તેઓ કોરોના નેગેટિવ આવી ચૂક્યા હતા અને ત્યારબાદ કેટલીક સમસ્યા નડતા તેમણે શુક્રવારે અંતિમ શ્વાસ લીધા. ડાયલોગ રાઈટર સુબોધ ચોપરાની ઉંમર ૪૯ વર્ષ હતી.
સુબોધ ચોપરાએ જે બોલિવૂડ ફિલ્મોના સંવાદ લખ્યા હતા તેમાં ‘મર્ડર’, ‘રોગ’, ‘નઝર’, ‘તુમસા નહીં દેખા’ અને ‘દોબારા’ વગેરેનો સમાવેશ થાય છે. અમારા સહયોગી ‘ઈટાઈમ્સ’ને સુબોધ ચોપરાના નાના ભાઈ શેંકીએ જણાવ્યું કે ‘સુબોધ ભાઈ કોરોનામાંથી બહાર આવી ગયા હતા. સુબોધ ચોપરાનો ગત અઠવાડિયે શનિવારે કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો પણ સોમવારે તેમની હાલત ખરાબ થઈ ગઈ. તેમનું ઓક્સિજન લેવલ અચાનક ઘટવા લાગ્યું અને મેં ઘરે એક સિલિન્ડરની વ્યવસ્થા કરી હતી. સુબોધ ભાઈ ભારે થાક અનુભવી રહ્યા હતા અને તેમનું બ્લડપ્રેશર પણ વધી ગયું હતું.’

શેંકીએ જણાવ્યું, ‘સુબોધ ભાઈની તબિયત શુક્રવારે સવારે વધુ બગડી અને તેઓને મલાડની એક હોસ્પિટલમાં દાખલ કરાયા. પરંતુ, કાર્ડિયાક અરેસ્ટ બાદ તેમનું નિધન થઈ ગયું. તેઓને કોરોનામાંથી સાજા થયા પછી સમસ્યા નડી હતી. સુબોધ ચોપરાને હિન્દી ફિલ્મ ડિરેક્ટ કરવાની ખૂબ ઈચ્છા હતી અને તેમણે મલયાલમ ફિલ્મ ‘વસુધા’નું ડિરેક્શન કર્યું હતું. તેઓ ખૂબ ટેલેન્ટેડ હતા.

Follow Me:

Related Posts