બોલો…રાજ્યની ૨૦ સરકારી હોસ્પિટલમાં એક પણ સિટી સ્કેન મશીન નથી
એક તરફ સરકાર આરોગ્ય ક્ષેત્રે સુધારાની વાત કરી રહી છે. તો બીજી તરફ, સરકારી હોસ્પિટલોની હાલત ખાડે જતી હોવાનું વિધાનસભામાં ખુલાસો થયો છે. રાજ્ય સરકારીની હોસ્પિટલોમાં આધુનિક સુવિધા નામે ઝીરો કામગીરી હોવાનું પણ બહાર આવ્યું છે. રાજ્યના ૩૩ જિલ્લાઓમાં માત્ર ૧૬ સીટી સ્કેન મશીન અને ૫ જ એમઆરઆઇ મશીન હોવાનું સામે આવ્યું છે. નવાઈની વાત એ છે કે, છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે માત્ર એક જ સીટી સ્કેન મશીનની ખરીદી કરી છે. જ્યારે, એમઆરઆઇ મશીનની છેલ્લા બે વર્ષમાં ખરીદી કરવામાં આવી નથી.
રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં ૩ સીટી સ્કેન મશીન છે. વડોદરા જિલ્લામાં ૨, જ્યારે, અન્ય જિલ્લાઓમાં એક પણ મશીન નહી હોવાનું સામે આવ્યું છે. તો જામનગર, ભાવનગર, સુરત, રાજકોટ, અમદાવાદ જિલ્લામાં એક-એક જ એમઆરઆઇ મશીન છે. જ્યારે, ૨૮ જિલ્લામાં એક પણ એમઆરઆઇ મશીન નથી.
રાજ્યના ૨૦ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં એક પણ સીટી સ્કેન મશીન નથી. તેમજ, ૨૮ જિલ્લામાં એક પણ એમઆરઆઇ મશીન નથી. જેને લઇને લાખો રૂપિયાના ખર્ચે દર્દીઓને ખાનગી સંસ્થામાં રિપોર્ટ કરાવવાની ફરજ પડે છે. કોરોનાના દર્દીઓને સીટી સ્કેન અને એમઆરઆઇની પણ ખાસ જરૂર પડતી હોય છે. જેના લીધે દર્દીઓને ખાનગી સંસ્થાઓમાં હજારો રૂપિયા આપી રિપોર્ટ કરાવવા પડી રહ્યા છે. હાલ રાજ્યમાં એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે, સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને પણ ખાનગી સંસ્થામાં રિપોર્ટ કરાવવા જવું પડે છે.
સરકારી હોસ્પિટલમાં સીટી સ્કેન અને એમઆરઆઇ મશીનની ઘટને લઇને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે, સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સીટી સ્કેન અને એમઆરઆઇ રિપોર્ટની જરૂર પડે તો, ડોક્ટર દ્વારા ખાનગી સંસ્થાને રીફર કરવામાં આવે છે. જેમાં, દર્દીઓને રાહત દરે રિપોર્ટ કરી દેવામાં આવતા હોય છે.
Recent Comments