fbpx
ગુજરાત

બ્રિજની કામગીરીથી વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યા નડી રહી છે

અંકલેશ્વરની ખરોડ ચોકડી બ્રિજની કામગીરીને લઇ ચોકડી ના ડાયવર્ઝન માર્ગ જ ટ્રાફિક જંકશન બની ગયા છે. વધતા જતાં અકસ્માતના નિવારણ માટે બે વર્ષ ની લડત બાદ બ્રિજ મંજુર થયો હતો. ડેથ ઝોન બનેલી ખરોડ ચોકડી પર અસંખ્ય લોકો હાઇવે ઓળંગતી વેળા મોતને ભેટી ચુકયાં છે. રાજયસભાના સાંસદ સ્વ. અહમદ પટેલે આ બ્રિજ માટે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને રજુઆત કરી હતી જેના પગલે આ બ્રિજ મંજુર થયો છે. અંકલેશ્વરમાં વાહન ચાલકો છેલ્લા ચાર દિવસ થી નેશનલ હાઇવે નંબર ૪૮ ટ્રાફિક સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં છે. ચોમાસામાં પડેલા વરસાદ ને કારણે માર્ગો પર પડેલા ખાડા ને લઇ ટ્રાફિક ને અડચણ ઉભી થઇ રહી છે. વાહનો નું આવાગમન વધી જતા ટ્રાફિક જામ થઇ રહયો છે.

છેલ્લા ચાર દિવસથી નેશનલ હાઇવે પર ૩૦ કીમીથી વધુનો ટ્રાફિકજામ જાેવા મળી રહયો છે. બ્રિજની કામગીરી માટે અપાયેલા ડાયવર્ઝનનો રોડ ઉબડખાબડ બની જવાના કારણે વાહનચાલકો હાલાકી ભોગવી રહયાં છે. આ સમસ્યાનો ઝડપી હલ આવે તે જરૂરી છે. ભરૂચની નર્મદા નદી ઉપર કેબલ સ્ટેઇડ બ્રિજ બન્યો તે પહેલાં ઝાડેશ્વર ચોકડી ખાતે ચકકાજામ થતો હતો હવે ખરોડ ચોકડી ટ્રાફિકનું એપી સેન્ટર બની છે. હાલમાં નવા સરદારબ્રિજ ઉપર પણ ખાડાઓ પડી ગયાં હોવાથી ઝાડેશ્વર ચોકડીથી મુલદ ટોલ નાકા સુધી વાહનો ધીમી ગતિએ પસાર થઇ રહયાં છે. નેશનલ હાઇવે પરનો ટ્રાફિક ઇમરજન્સીના વાહનો માટે પણ નડતરરૂપ બન્યો છે. ભરૂચના દર્દીઓને ગંભીર હાલતમાં સુરત કે વડોદરા ખસેડવામાં આવતાં હોય છે પણ ટ્રાફિકજામમાં એમ્બયુલન્સો પણ ફસાઇ હોવાના કિસ્સા સામે આવી રહયાં છે.

ટ્રાફિક જામની સ્થિતિમાં રોંગ સાઇડ આવી જતાં વાહનો પણ ટ્રાફિક સમસ્યાને વિકટ બનાવે છે ત્યારે વાહનચાલકો પણ નિયમોનું પાલન કરે તે જરૂરી છે.અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક બની રહેલાં બ્રિજના કારણે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ થઇ રહયો છે. ત્યારે આ બ્રિજની મહત્વની બાબત એ છે કે, ખરોડ ચોકડી પાસે અકસ્માતના વધતાં બનાવોને ધ્યાનમાં રાખી બે વર્ષની લડત બાદ બ્રિજને મંજુરી મળી છે અને હવે બ્રિજની કામગીરી શરૂ થઇ છે ત્યારે બ્રિજ ટ્રાફિકનું એપી સેન્ટર બન્યો છે.

Follow Me:

Related Posts