ગુજરાત

ભંગારની દુકાનમાં સરકારી યોજનાની સાઈકલોનો જથ્થો મળી આવ્યો

મહીસાગરના લુણાવાડા શહેરમાં ગોધરા રોડ પર આવેલ એસ.ટી વર્ક શૉપની સામેની ભંગારની દુકાનમાંથી સરકાર તરફથી વિવિધ યોજનાઓમાં જે સાઈકલો આપવામાં આવે છે, તે સાઈકલોનો જથ્થો મળી આવ્યો છે. ભંગારની આ દુકાનમાંથી અંદાજીત ૧૫ જેટલી સાઈકલો મળી આવી છે. ત્યારે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. આ સાઈકલો ક્યાંથી આવી અને તેને ભંગારની દુકાન સુધી કોને પોંહચાડી? ખરેખર, અરજદાર દ્વારા જ આ સાઈકલ વેચવામાં આવી છે કે, આની પાછળ કોઈ મોટું કૌભાંડ છે તે અંગે પ્રશાસન દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે.

ત્યારે આ બાબતની જાણ થતા વિકસતી જાતિ સમાજ કલ્યાણ અધિકારી પંકજ ચુડાસમા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. સાઈકલો જાેતા એવું જણાય છે કે કયા વિભાગની છે તે નક્કી નથી થતું. જુદા-જુદા ત્રણ વિભાગ દ્વારા આ સાઈકલો આપવામાં આવે છે, અને એવી પણ શક્યતાઓ પણ રહેલી છે કે અરજદારોએ જાતે ભંગારમાં આપી હોય. અગાઉ પણ લુણાવાડા શહેરમાંથી એક ભંગારની દુકાનમાંથી સરકારી શાળાના પાઠયપુસ્તકો મળી આવ્યા હતા. ત્યારે આજે ફરીવાર સરકારી યોજનાની વિતરણ કરેલ સાઈકલો ભંગારની દુકાનમાંથી મળી આવતા અનેક સવાલો ઊઠી રહ્યા છે અને આખરે આ બાબતે જવાબદાર ખરેખર કોણ છે તે તાપસ બાદ જ ખબર પડશે.

Follow Me:

Related Posts