નવસારીના પૌરાણિક ઉષ્ણ અંબા માતાજીના જીર્ણોદ્ધાર બાદ દર વર્ષે યોજાતા ઉનાઈ ઉત્સવનો આજથી દબદબાભેર પ્રારંભ થયો હતો. સાંસદ કે. સી. પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિત માઈભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. રામાયણ કાળમાં પ્રભુશ્રી રામ માતા સીતા અને ભ્રાતા લક્ષ્મણ સાથે દંડકારણ્યમાં ફરતા ફરતા શરભંગ ઋષિના આશ્રમમાં આવ્યા હતા. ત્યારે ઋષિએ પોતાનો ચર્મરોગ પોતાની યોગશકિતથી છુપાવ્યો હતો. પરંતુ રામજી ઋષિના ચર્મરોગ વિશે જાણી ગયા અને લીલા કરી હતી. જેમાં માતા સિતાજીએ ગરમ પાણીથી નાહવાની જીદ કરી, ત્યારે પ્રભુશ્રી રામે તીર મારી ગરમ પાણીના ઝરા કાઢ્યા અને તેમાં માતા સિતાએ સ્નાન કર્યુ હતુ.
સાથે જ માતાજી અહીં ઉષ્ણ અંબાના રૂપે બિરાજીત થયા. રામજીએ ઋષિ સરભંગને પણ આ ગરમ ઝરામાં નાહવા આગ્રહ કર્યો અને ઋષિનો ચર્મ રોગ દૂર થયો હતો. નાહ્યા બાદ માતાજી બોલ્યા હું નાહી, પણ કાળ ક્રમે અપભ્રંશ થઈ આજે ઉનાઈ માતાજી મંદિર તરીકે વિશ્વમાં જાણીતુ બન્યુ છે. ગુજરાત સરકારમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉનાઈ માતાજી મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને ત્યારથી દર વર્ષે માં ઉષ્ણ અંબાની વિશેષ આરાધના સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી સરકાર દ્વારા ધાર્મિક આસ્થા સાથે ધૂમધામથી ઉનાઈ ઉત્સવ ઉજવવામાં આવે છે. આજથી બે દિવસના ઉનાઈ ઉત્સવનો વલસાડના સાંસદ કે. સી. પટેલ અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની વિશેષ ઉપસથિતિમાં શરૂ થયો છે.
જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ માતાજીની વિશેષ આરતી સાથે મહિષાસુર મર્દીની અને શિવ તાંડવ ઉપર નૃત્ય કરી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉત્સવમાં નવસારીના નાટ્યવૃંદ દ્વારા પણ ગરબા અને નૃત્ય રજૂ કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત માઇભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી, સાંસ્કૃતિક કાર્યકમમાં આનંદ માણ્યો હતો. જ્યારે સાંસદ કે. સી. પટેલે માઈભક્તોને આવકારી હવે ઉનાઈ આવવા માટે બ્રોડગેજ ટ્રેનની સુવિધા પણ મળશે. સાથે જ બીલીમોરાથી સાપુતારા થઈ નાશિક સુધી ટ્રેન સુવિધા શરૂ થતા શ્રદ્ધાળુઓ સાથે પ્રવાસીઓને મોટો લાભ મળશે.
Recent Comments