પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક પત્રકારને ઈશનિંદા કાયદા હેઠળ પકડવામાં આવ્યો છે. પત્રકાર પર ભગવાન શ્રી હનુમાન પર એક વિવાદિત પોસ્ટ કરવાનો આરોપ છે. બીબીસીના રિપોર્ટ મુજબ મીરપુરખાસ શહેરના સેટેલાઈટ પોલીસ મથકમાં આ અંગે એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલો ખુબ દુર્લભ છે કારણ કે એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનનો ઈશનિંદા કાયદો અલ્પસંખ્યકો પર દમનનું એક હથિયાર છે.
રિપોર્ટ મુજબ સામાન્ય રીતે ઈશનિંદાના કેસ અલ્પસંખ્યક ધર્મોના લોકો વિરુદ્ધ દાખલ થતા રહે છે. જાે કે કેટલાક કેસોમાં બહુસંખ્યક મુસલમાન સમુદાયના લોકો ઉપર પણ ઈશનિંદના કેસ દાખલ થયા છે. શું છે સમગ્ર મામલો?.. તે જાણો.. મીરપુરખાસના લુહાના પંચાયતના ઉપાધ્યક્ષ રમેશકુમારનો દાવો છે કે ૧૯ માર્ચના રોજ તેઓ જ્યારે તેમના મિત્રો સાથે હતા ત્યારે તેમણે જાેયું કે અસલમ બલોચ નામના એક સ્થાનિક પત્રકારે ભગવાન શ્રી હનુમાનની એક તસવીર પોતાના ફેસબુક પેજ અને વોટ્સએપ ગ્રુપમાં શેર કરી છે. બલોચે ફોટા સાથે એક વિવાદિત ટિપ્પણી પણ લખી હતી. રમેશે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી. આ મામલે કાર્યવાહીને લઈને અલ્પસંખ્યક મામલાના પ્રાંતીય મંત્રી જ્ઞાનચંદ ઈસરાનીએ સિંધના ઈન્સ્પેક્ટર જનરલનો સંપર્ક કર્યો અને એસએસપી મીરપુરખાસ સાથે વાત પણ કરી.
ઈસરાનીએ કહ્યું કે કોઈને કોઈ પણ ધર્મના અપમાનની મંજૂરી આપવામાં આવશે નહીં અને આવી હરકતોને સહન કરવામાં નહીં આવે. બીજી બાજુ આરોપી પત્રકારનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તેણે હિન્દુ સમુદાય પાસે માફી માંગી છે. આરોપીએ દાવો કર્યો છે કે તેણે પોતે તે પોસ્ટ કરી નહતી પરંતુ કોઈએ તેમની સાથે શેર કરી હતી જેને તેમણે આગળ શેર કરી. બલોચે કહ્યું કે તેઓ હિન્દુ ધર્મનું સન્માન કરે છે અને હંમેશા તેમના કાર્યક્રમોમાં ભાગ પણ લે છે.
Recent Comments