fbpx
અમરેલી

ભજન-ભોજન અને આસ્થાનો ત્રિવેણી સંગમ…ગિરનાર પરિક્રમા… એક અલૌકિક અનુભૂતિ…!!

જુનાગઢ શહેરથી ૫ કી.મી. દુર ગિરનારની તળેટીમાં કારતક સુદ અગિયારસે સવારથી જ ભવનાથ તળેટીમાં હજારોની સંખ્યામાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તેજ દિવસે મધરાતે રૂપાયતન થી સંતો-મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તો ની હાજરીમાં દિપ પ્રગટાવીને બંધુક ના ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે.

જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજની જગપ્રસિધ્ધી ની મહેક પ્રસરી રહી છે આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે.  જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે. ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએ થી ભકતો આવે છે. આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમના દિવસે એટલે કે દેવ દિવાળીના  દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી. ત્યાર બાદ સમય બદલાતા, આ પરિક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા સ્વયંભૂ છે. આ પરિક્રમા લોકો ૨ થી ૩ દિવસમાં આરામ કરતા-કરતા પૂરી કરે છે પરંતુ અમુક લોકોનો વર્ગ એવો છે કે જેઓ એક દિવસમાં જ આ પરિક્રમા પૂર્ણ કરે છે.


શહેરની તમામ સુખ સુવિધાથી દુર પ્રકૃતિનાં ખોળે અને જંગલના ઘટાટોપ વનરાઈ ની વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે સુમધુર કરતા પક્ષીઓનાં કલરવ સાથે પ્રકૃતિની ગોદમાં જીવનનાં ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુઃખ ભુલીને આવનાર સમયમાં બને તેટલું યથા શક્તિ પુણ્યનું ભાથુ બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે. તે દરમિયાન કેડીઓ, ધુળીયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, સોળેકળાએ ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે ૩૬ કી.મી.નો પગપાળા રસ્તો કયારે પુર્ણ થઈ જાય છે અને થાક પણ કયાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી. યાત્રાનાં છેલ્લા અને પાંચમા દિવસે એટલેકે કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. પરિક્રમા બાદ યાત્રાનાં ઘણા ખરા યાત્રિકો ગિરનાર પણ ચડે છે. અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોનાં દર્શન કરે છે. તે સિવાયનાં યાત્રિકો ભવનાથ મહાદેવનાં દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પુર્ણ કરે છે. આમ આ કારતક સુદ અગીયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારિરીક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા પુરી થાય છે. દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ આ પરિક્રમા કરે છે.  

Follow Me:

Related Posts