ભયંકર ગરમી બની મોતનું કારણ
ગુજરાતભરમાં હીટવેવની આગાહીના પગલે દરેક જિલ્લાઓમાં આકાશમાંથી આગ વરસતી હોય તેવી ભયાનાક સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે હીટવેવની અસર પણ લોકોના જનજીવન પર જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે ગુજરાતના એક જિલ્લામાંથી છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી હતી.
ઉનાળાની આકરી ગરમી વડોદરાવાસીઓ માટે જીવલેણ સાબિત થઇ રહી હોય તેવા આઘાતજનક સમાચાર સામે આવ્યા હતા. વડોદરાની સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટનો દાવો છે કે છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં ગરમીના કારણે હાર્ટ એટેકથી ૧૦ લોકોના મોત થયા છે. સ્થિતિને જોતા ડૉ.રંજન ઐયરે નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.
આ સાથે જ વૃદ્ધો અને બાળકોની ખાસ તકેદારી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ડૉ.રંજન ઐયરે બપોરે ઘરથી બહાર નીકળવાનું ટાળવા માટે અપીલ કરી છે. આ સાથે જ સુતરાઉ કપડા પહેરવા માટે પણ જાહેરાત કરી છે. દર કલાકે ૮૦૦ મિલી પાણી પીવાની નાગરિકોને અપીલ કરી છે.
વડોદરામાં અત્યાર સુધી ૫૦૦થી વધુ લોકોને હીટવેવની અસર જોવા મળી છે.હીટવેવના પગલે ગભરામણ, બીપી, ચક્કર, ઉલટી, ડિહાઈડ્રેશનના દર્દીમાં વધારો થયો છે. જો કે સતત ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ મળી રહ્યાં છે.ગુજરાતના ૧૦ શહેરોમાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રીને પાર નોંધાયુ છે. સુરેન્દ્રનગરમાં ૪૫.૩ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં ૪૬.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. ગઈકાલે સવારના સાત વાગ્યાથી જ તાપમાનનો પારો ૩૩ ડિગ્રીને પાર નોંધાયો હતો. જો કે અનેક શહેરોમાં મોડી રાત સુધી ગરમ પવન ફૂંકાયો છે.
Recent Comments