અમરેલી

ભયજનક અને જર્જરિત મકાનો બાબતે અમરેલી નગરપાલિકા દ્વારા તાકીદની ચેતવણી જાહેર કરવામાં આવી

 ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ની જોગવાઇઓ અંતર્ગત અમરેલી શહેર હદ વિસ્તારમાં આવેલી સરકારી, અર્ધ સરકારી, બિન સરકારી, ખાનગી, સ્લમ તથા અન્ય ક્વાર્ટસ તથા મકાન કે ઇમારત સહિતના તમામ પ્રકારની ઇમારતોમાં રહેતાં હોય કે તેનો ઉપયોગ કરતા હોય કે હિત ધરાવતા હોય તેવી તમામ વ્યક્તિઓએ, કાયદાને આધીન રહી પોતાના મકાનનો ભયજનક ભાગ, જર્જરિત ભાગ તાકીદે ઉતારી લઈ બાકીના ભાગને સુરક્ષિત કરવાની કાર્યવાહી કરવાની રહેશે.

અન્યથા મકાન કે તેનો ભયજનક ભાગ, જર્જરિત ભાગ પડી જવાથી તે મિલ્કત કે આસપાસની મિલ્કતને કે જાનમાલને નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આવા મકાન, ઇમારતના માલિક, કબ્જેદારો, હિત ધરાવતા તમામ વ્યક્તિઓની રહેશે, જેની ગંભીર નોંધ લેવી. ભયજનક કે જર્જરિત મકાનોમાં કોઈપણ વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં તેમ જ વસવાટ કે, અન્ય કોઈ ઉપયોગ કરવો નહીં. ભયજનક જણાતા હોય તેવા મકાનની આસપાસ અવર જવર કરવી નહીં. આવા મકાન-ઇમારતની આજુબાજુના મકાનના ઉપયોગકર્તાઓએ સાવચેતીના ભાગરુપે પૂરતી કાળજી રાખવી.

આ વિશે અમરેલી નગરપાલિકા દ્વારા અગાઉ પણ નોટિસ પણ આપવામાં આવી હોય સંબંધિત વ્યક્તિઓએ આ અંગે કાર્યવાહી કર્યાનું ધ્યાને આવ્યું નથી. આથી, હિત ધરાવનાર સંબંધિત તમામ કબ્જેદારોને આપવામાં આવેલી નોટિસ અન્વયેની કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવી, તાકીદની જાહેર ચેતવણીને ધ્યાને લેવી તેમ અમરેલી નગરપાલિકા ચીફ ઓફીસરશ્રી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Follow Me:

Related Posts