પ્રચંડ ધડાકાના કારણે આસપાસના ગામના ઘરના કાચ તૂટ્યા,લોકો ઘરની બહાર દોડી આવ્યા, ૨૦ કિલોમીટર સુધી અવાજ સંભળાયો
ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીની એક કંપનીમાં જાેરદાર બ્લાસ્ટ થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. આ બ્લાસ્ટને પગલે કંપનીમાં કામ કરતા ૪૦થી વધારે કામદારો ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે. મળતી માહિતી અનુસાર બ્લાસ્ટ બાદ કંપનીમાં આગ લાગી ગઈ હતી. યુપીએલ કંપનીના સી.એમ. પ્લાન્ટમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. કંપનીમાં થયેલો બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના ગામોના ઘરોનાં કાચ તૂટી ગયા છે. બ્લાસ્ટને પગલે લોકો બહાર દોડી આવ્યા હતા. બ્લાસ્ટમાં ઘાયલ થયેલા કામદારોને વડોદરા અને અંકલેશ્વર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કંપનીમાં બોઇકલ ફાટવાને કારણે બ્લાસ્ટ થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે યુપીએલ કંપનીમાં મધ્ય રાત્રે આ બ્લાસ્ટ થયો હતો. લોકોના કહેવા પ્રમાણે બ્લાસ્ટનો અવાજ એટલો પ્રચંડ હતો કે ૨૦ કિલોમીટર વિસ્તારમાં અવાજ સંભળાયો હતો. રાત્રે ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ લોકોને થયો હતો.
બ્લાસ્ટના અવાજને પગલે લોકો પોતાના ઘરોની બહાર દોડી ગયા હતા. કંપનીની આસપાસના વિસ્તારમાં આવેલા ઘરો અને ઓફિસોનાં કાચનાં દરવાજા પણ તૂટી ગયાના સમાચાર પ્રાપ્ત થયા છે. રાત્રે આશરે અઢી વાગ્યાની આસપાસ થયેલા બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે અંકલેશ્વર સુધી ધ્રુજારી અનુભવવામાં આવી હતી. આ ઉપરાંત અવાજને કારણે અનેક મકાનોનાં કાચ તૂટી ગયાના સમાચાર મળી રહ્યા છે. યુપીએલ કંપની ફોસ્ફરસ બનાવતી હોવાનું જાણવા મળ્યું છે. રાત્રે કામગીરી ચાલુ હતી ત્યારે આ બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટને પગલે અમુક કામદારો લાપતા થયાના સમાચાર પણ મળી રહ્યા છે. ઝઘડિયા જીઆઈડીસીની આસપાસ ફુલવાડી, કપલસાડી સહિત ગામો આવેલા છે.
આ ગામના લોકોને જાણે કે રાત્રે ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ થયો હતો. લોકો બ્લાસ્ટને પગલે બહાર દોડી ગયા હતા. આસપાસના ગામોને મકાનોના કાચ પણ બ્લાસ્ટને કારણે તૂટી ગયા હતા. જેના પગલે લોકો વધારે ગભરાયા હતા. યુપીએલ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હતી. આગના ધૂમાડા દૂર દૂરથી જાેવા મળતા હતા. બ્લાસ્ટને પગલે ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. બ્લાસ્ટને પગલે કંપની ખાતે અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો. ઘાયલોને તાત્કાલિક હૉસ્પિટલ પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
Recent Comments