ભરૂચમાં જર્જરિત ઇમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દબાયો,એકનું મોત
ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાં વહેલી સવારે જર્જરિત ઇમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દબાયો હતો. સ્થાનિકોએ પાલિકા ફાયરબ્રિગેડની મદદથી પરિવારજનોને બહાર કાઢ્યા હતા. જે પૈકી એકનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે નર્મદા એપાર્ટમેન્ટની બિલ્ડીંગ જર્જરિત હોવાનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. ભરૂચ નગરપાલિકા એક સત્તવાર યાદી જાહેર કરી દરવર્ષે જર્જરિત ઇમારતના માલિકોને પોતાનું મકાન ખાલી કરી ઉતારી લેવા નોટિસ આપે છે. આ નોટીસ બાદ પાલિકા પોતાની જવાબદારી પૂર્ણ થવાનો સંતોષ માની લે છે.
મકાનમાલિકો પણ તંત્રની કોઈ કડક કાર્યવાહી થતી ન હોવાથી વાતને ગંભીરતાથી લેતા નથી જેના આજની ઘટના જેવા માઠા પરિણામ સામે આવે છે. વહેલી સવારે બનેલી ઘટના બાદ કાટમાળ હટાવવો ખુબ મુશ્કેલ બની રહ્યો હતો. ભરૂચ નગરપાલિકાના કમિટી ચેરમેન અને સ્થાનિક નગર સેવક હેમેન્દ્ર પ્રજાપતિએ રેસ્ક્યુ ઓપરેશન માટે જવાબદારી ઉપાડી હતી. પાલિકાની ફાયર બ્રિગેડની ટીમને પાલિકાના પક્ષના નેતા રાજશેખરભાઈએ તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવી વીજળી ના લટકતા તાર દૂર કરી સવાર સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રખાયું હતું. કમનશીબે ૩૮ વર્ષીય પંકજ જશવંતભાઈ ચૌહાણનું મોત નીપજ્યું હતું. અન્ય પરિવારજનોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.
Recent Comments