ગુજરાત

ભરૂચમાં મકાન ધરાશાયી થવાથી ૬ લોકો દટાયા: ૩ બાળકના મોત

ભરૂચની સજાનંદ દેરીના ખાંચામાં આવેલા લાલભાઈની પાટ વિસ્તારમાં ચાર દિવસ પહેલાં મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. એ બાદ ભરૂચના બંબાખાના વિસ્તારના કુંભારિયા ઢોળાવમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મકાન ધરાશાયી થતાં એક જ પરિવારના ૬ સભ્ય દબાઈ ગયા હતા, જેમાં ત્રણ બાળકનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે માતા-પિતા સારવાર હેઠળ છે. જેમાં ઊંઘમાં જ આખો પરિવાર કાટમાળમાં દબાયો હતો. એમાં એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે પરિવારના અન્ય સભ્યો સારવાર હેઠળ છે. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ધડાકાભેર મકાન ધરાશાયી થવાને કારણે આસપાસના લોકો પણ દોડીને આવી ગયા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિકો બનાવ અંગે નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતાં ફાયર ફાયટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થાનિકોની મદદ વડે બચાવકાર્ય હાથ ધરી દંપતીને બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયું હતું, જ્યારે ૧૦ વર્ષીય નિશા કિશોરભાઈ ગુજ્જર, પ્રિન્સ કિશોરભાઈ ગુજ્જર અને અંજના કિશોરભાઈ ગુજ્જરનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. મકાન ધરાશાયી થવાની ઘટનામાં એક જ પરિવારનાં ત્રણ બાળકનાં મોતને પગલે વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Related Posts