જૂનાગઢમાં આઠમની રાત્રે ખૂનીખેલ ખેલાયો છે. જૂની અદાવતમાં વોર્ડ નંબર ૧૫ના ભાજપના કોર્પોરેટર જીવા સોલંકીના પુત્ર હરેશ સોલંકીએ એક યુવાનને રહેસી નાખ્યો છે. મૃતક યુવાનની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. જ્યારે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં મૃતક યુવાન લોહીલુહાણ હાલતમાં આવતો દેખાય છે. જૂનાગઢનો બીલખા રોડ પર આવેલા આંબેડકરનગર વિસ્તારમાં અનુસૂચિત સમાજની વધુ જાતિ હોવાથી આ વિસ્તાર કોઈને કોઈ કારણોસર હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. ત્યારે અહીં આઠમું નોરતું લોહિયાળ બન્યું છે. આંબેડકરનગરના ધરાનગરમાં રહેતાં જયેશ પાતર ઉર્ફે ચોલીનું રાત્રે મર્ડર થયું છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર મર્ડર કરનાર આરોપી શહેરના વોર્ડ નંબર ૧૫ના ભાજપના કોર્પોરેટર જીવા સોલંકીના પુત્ર હરેશ સોલંકી છે. મર્ડરની આ ઘટના સામે આવતા ધરાનગર વિસ્તારના કોલેજ રોડ પર લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા. આંબેડકરનગર કોમર્સ કોલેજની સામે રહેતો ૨૯ વર્ષીય જયેશ પાતર મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
જે રાત્રે પોતાના ઘરે હતો. ત્યારે વોર્ડ નંબર ૧૫ના કોર્પોરેટર જીવા સોલંકી પુત્ર હરેશ સોલંકીએ છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ મૃતક જયેશ પાતરની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, પોતાના પુત્ર જયેશને આરોપી હરેશ સાથે અગાઉ બોલાચાલી થઇ હતી. જેમાં હરેશે મોડી રાત્રે મારા પુત્રને છરીના ઘા મારી મારી નાખ્યો છે. હુ જ્યારે નવરાત્રિમાં આરતી કરી ઘરે જઇ રહી હતી ત્યારે મારો પુત્ર જયેશ સામેથી પેટ પર હાથ રાખી લોહીલુહાણ હાલતમાં સામે મળ્યો હતો. મને જાેઇને જયેશે કહ્યું કે જલ્દી ૧૦૮ બોલાવો મને જીવા સોલંકીના પુત્રએ છરીઓ મારી છે.
મારા દીકરાની હાલત જાેઈ મે બુમાબુમ કરતા લોકોના ટોળા એકત્રિત થયા હતા અને જયેશ ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વધુ સારવાર મળે તે પહેલા જ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જયેશના મોતના સમાચાર આંબેડકરનગર ફેલાતા લોકોના ટોળેટોળા સિવિલ હોસ્પિટલમાં એકત્રિત થયા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી સહિતનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે મૃતકના ઘરની આસપાસના વિસ્તારના તેમજ રોડ પરના સીસીટીવી ફૂટેજ મેળવી આ મર્ડરમાં એક કે તેથી વધુ આરોપી સંડોવાયેલા છે કે કેમ? તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે.


















Recent Comments