ભાવનગર

ભાજપના મજબૂત સમર્પિત સંગઠન સાથે સૌને કાર્યરત રહેવા કરાઈ હાકલ

ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે પદભાર સંભાળતા શ્રી રાઘવજી મકવાણાએ ભાજપના મજબૂત સમર્પિત સંગઠન સાથે સૌને કાર્યરત રહેવા હાકલ કરી તમામ કાર્યકરોને સંતોષ માટે ખાતરી આપી છે.

તાજેતરમાં ભાજપ સંગઠનમાં થયેલા કેટલાક ફેરફાર મુજબ ભાવનગર જિલ્લામાં અધ્યક્ષ તરીકે રાજ્યના પૂર્વ મંત્રી અને મહુવાના ધારાસભ્ય રહેલા શ્રી રાઘવજી મકવાણાની નિયુક્તિ તથા આજે ભાવનગર ખાતે ભીડભંજન મહાદેવ તથા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર દર્શન કરી વાજતે ગાજતે ભાજપ કાર્યાલય ખાતે તેઓએ દીપ પ્રાગટ્ય સાથે પદભાર સંભાળ્યો હતો.

નવ નિયુક્ત અધ્યક્ષ શ્રી રાઘવજી મકવાણાએ પક્ષ દ્વારા પોતાને સોંપાયેલ જવાબદારી અંગે ખુશી વ્યક્ત કરવા સાથે ભાજપના મજબૂત સમર્પિત સંગઠન સાથે સૌને કાર્યરત રહેવા હાકલ કરી તમામ કામ કરતા કાર્યકરોને સંતોષ માટે ખાતરી આપી છે. તેઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની કાર્યપ્રણાલી સાથે સૌ કાર્યકર્તાઓને કામમાં સક્રિય રહેવા પણ અનુરોધ કર્યો. આ સાથે જ પ્રદેશ ભાજપ સંગઠનના માર્ગદર્શન સાથે ભાવનગર જિલ્લામાં સંગઠન નવરચના અંગે પણ ખ્યાલ આપ્યો. તેઓએ આગામી લોકસભા ચૂંટણી સાથે ભવ્ય ભારતના નિર્માણ માટે કાર્યરત રહેવા જણાવ્યું.

ભાજપના વિદાય લેતા પ્રમુખ શ્રી મૂકેશ લંગાળિયાએ નવા પ્રમુખને શુભકામના પાઠવવા સાથે પોતાના કાર્યકાળમાં કાર્યકર્તા સાથેના વ્યવહારોમાં પક્ષ માટે શિસ્ત અને કડકાઈ રાખ્યાનો ઉલ્લેખ કરી આ દરમિયાનની ચૂંટણીઓ માં મળેલા પરિણામોનો રાજીપો વ્યક્ત કર્યો. કાર્યકરોને પક્ષ માટે ખૂબ કામ માટે મંડ્યા રહેવા પણ ભાર આપ્યો.

અહી પ્રારંભે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયાએ ભાવનગર જિલ્લા વતી શ્રી રાઘવજી મકવાણાને અભિનંદન પાઠવ્યા હતા અને જિલ્લા ભાજપ દ્વારા થયેલા કામોનો ઉલ્લેખ કરી વધુ કામો થશે તેમ જણાવી પક્ષની કાર્યપ્રણાલી માટે સૌને કામ માટે અનુરોધ કર્યો.

ધારાસભ્યો શ્રી શિવાભાઈ ગોહિલ, શ્રી ભિખાભાઈ બારૈયા તથા શ્રી ગૌતમભાઈ ચૌહાણ સાથે ભાવનગર જિલ્લા સહકારી બેંક પ્રમુખ શ્રી કેશુભાઈ નાકરાણી સાથે  શ્રી પેથાભાઈ આહીર વગેરે મહાનુભાવોએ શુભકામના પાઠવી હતી.

ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષના પૂર્વ પ્રમુખ રહેલા શ્રી ચિથરભાઈ પરમાર, શ્રી હર્ષદભાઈ દવે, શ્રી મહેન્દ્રભાઈ પનોત સહિત સંગઠન પાંખોના હોદ્દેદારો સાથે જિલ્લા તાલુકા પંચાયત હોદ્દેદારો, અગ્રણીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સંચાલનમાં શ્રી રાજુ બાબરિયા રહ્યા હતા.

ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત અધ્યક્ષ શ્રી સોમવાર તથા ગુરુવારે કાર્યકર્તાઓને મળશે તેમ પ્રવકતા પ્રચાર સંયોજક શ્રી કિશોર ભટ્ટ તથા સહસંયોજક શ્રી મૂકેશ પંડિત દ્વારા જણાવાયું છે.

Related Posts