ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ દિલીપ ઘોષને ધક્કે ચઢાવાયા
ભાજપના પ્રમુખ શ્રીકાંત મજુમદારનો દાવો હતો કે ટીએમસીના ટેકેદારો દ્વારા ભૂતપૂર્વ પ્રમુખ દિલીપ ઘોષને લાતો મારવામાં આવી હતી, મુક્કા મારવામાં આવ્યા હતા અને ધક્કે ચઢાવાયા હતા. જડુ બાબુર બાઝાર નજીક બનેલી આ ઘટનામાં ભાજપના એક કાર્યકરને પણ ઇજા થઈ હતી. પ્રચારના અંતિમ દિવસે ભાજપના અગ્રણી નેતાઓ ભવાનીપોરમાં પ્રચાર માટે આવ્યા હતા. ટીએમસીના ટેકેદારો અને સમર્થકોએ ઘોષની સામે મોટાપાયા પર સૂત્રોચ્ચાર કર્યા હતા. તેના પછી ટીએમસીના કાર્યકરો અને ભાજપના કાર્યકરો તથા ઘોષના સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ધાંધલધમાલ થઈ હતી. એક સમયે ઘોષના સુરક્ષા ગાર્ડોએ ટોળાને વિખેરવા માટે સર્વિસ રિવોલ્વરનો આશરો લેવો પડયો હતો. આ ઘટના અંગે ઘોષે જણાવ્યું હતું કે ડોર-ટુ-ડોર કેમ્પેઇન દરમિયાન અમારા માટે કોઈપણ પ્રકારની સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી ન હતી. તેઓએ અમારા કાર્યકરનું માથું ફોડી નાખ્યુ અને મને પણ લાતો મારી હતી.
પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર વિધાનસભા પેટાચૂંટણી પર પ્રચારના અંતિમ દિવસે ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષને ધક્કે ચઢાવાયા હતા. તેમની સાથે ધક્કામુક્કી થઈ હતી. પરિસ્થિતિ એટલી બગડી ગઈ હતી કે તેમના સુરક્ષા કર્મચારીઓએ તેમને સલામત રીતે બહાર કાઢવા શસ્ત્રોનો ઉપયોગ કરવો પડયો હતો. ઘોષની સાથે સાંસદ અર્જુનસિંહ પણ હતા. ટીએમસીના કાર્યકરોએ બંને નેતાઓનો પીછો કર્યો. આ દરમિયાન ત્યાં તનાવ ઘણો વધી ગયો. ભાજપના નેતાઓની સુરક્ષામાં ગોઠવાયેલા સુરક્ષા કર્મચારીઓએ બંને નેતાઓને સલામત કાઢ્યા હતા, પણ ભીડને અંકુશમાં લાવવા માટે સુરક્ષા કર્મચારીઓએ શસ્ત્રો ઉપયોગમાં લેવા પડયા હતા. આના પગલે દિલીપ ઘોષે ડોર-ટુ-ડોર કેમ્પેઇનનો કાર્યક્રમ પડતો મૂકવો પડયો હતો. ભવાનીપુરમાં થતી પેટાચૂંટણીમાં વર્તમાન મુખ્યપ્રધાન મમતા બેનરજી ઉમેદવાર છે. તેમનો સામનો ભાજપની ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલ સામે થવાનો છે.આ સીટ પર મતદાન ૩૦ સપ્ટેમ્બરે થશે.
Recent Comments