ભાજપ-કોંગ્રેસના સભ્યો વચ્ચે શાબ્દિક ટપાટપીઃ કોંગ્રેસ નગરસેવિકા રડી પડ્યા
નવસારી-વિજલપોર નગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં વિકાસ કાર્યો બાબતે ચર્ચા કરવામા આવી હતી. આ સમયે પેન્ડિંગ કામો બાબતે કાૅંગ્રેસના એક માત્ર નગરસેવિકા અને ભાજપના સભ્યો વચ્ચે શાબ્દિક ટપાટપી થતા માહોલ ગરમાયો હતો. મહિલા નગરસેવિકાને કોઈ કારણોસર માઠું લાગી આવતા ચાલુ સભામાંથી રડતા રડતાં બહાર નીકળી ગયા હતા.
ગત દિવસોમાં અનેક કામો બાકી હોવાની ફરિયાદ સાથે મહિલા કોંગ્રેસ નગરસેવિકા તેજલ રાઠોડ એ વાંધો ઉઠાવ્યો હતો અને તે કામ ક્યારે પૂર્ણ થશે તેવી વાત કરી હતી. ત્યારે તેમની પાડોશમાં બેઠેલા ભાજપના નગરસેવક શુભમ મુંડીયા એ તમામ કામો થયા હોવાની વાત કહી હતી અને તેમની વચ્ચે શાબ્દિક ઉગ્ર ચર્ચા પણ થઇ હતી.ત્યારે કોઈક શબ્દોથી મહિલા નગરસેવિકાને માઠું લાગી આવ્યું હતું અને તેઓ ચાલુ ચર્ચા દરમિયાન આંખમાં આંસુ સાથે હોલમાંથી નીકળી ગયા હતા. મહિલા નગર સેવિકાના જણાવ્યા મુજબ તેમનું અપમાન થયું હોવાથી તેઓ સભામાંથી ચાલતી પકડી હતી અને સમગ્ર શાબ્દિક ચર્ચા દરમ્યાન પ્રમુખ પણ જાેતા હતા અને કંઇક બોલતા ન હતા તેવી તેમણે ફરિયાદ કરી હતી.
આ મામલે તેજલ રાઠોડ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે પેન્ડિંગ કામને લઈને અને વિરોધ કર્યો હતો ત્યારે શુભમ મુંડીયા એ મને અપમાનજનક શબ્દો કહ્યા હતા,જેથી મેં સભા છોડી દીધી હતી પણ મહિલા નગરસેવિકા એ કયા શબ્દોથી માઠું લાગી આવ્યું તે અંગે ખુલાસો કર્યો ન હતો.
શુભમ મુંડિયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, આ મામલે કોઈ અપમાનજનક વાત કરી નથી અને મેં કહ્યું છે કે તમામ કામો તેના નિયત સમયે થયા જ છે કોઈ કામ પેન્ડિંગ નથી. સાથે જ પાલિકામાં સામાન્ય સભા મળે છે ત્યારે આવા પ્રકારની નોક્ઝોક સહજ હોય છે તેમાં કોઇ વ્યક્તિગત માથું લગાડવાનો કોઈ કારણ નથી.
Recent Comments