ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય અગ્રણીઓએ વિરોધી પક્ષના નબળા પાસાઓ પણ શોધવા માંડ્યા છે. થોડા સમય પહેલાં ભાજપ યુવા મોરચાના એક હોદ્દેદારની સામે લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધાયો હોવાથી હાલ તે જેલવાસમાં છે. પાંચ જેટલા રાજકીય અગ્રણીઓ જુગાર, મારામારી, ધમકી, રેતી ચોરી જેવા આક્ષેપોથી ઘેરાયેલા છે. આગામી સમયમાં ભ્રષ્ટાચાર ઉપરાંત રાજકારણમાં ઘૂસેલી ગુનાખોરીનો મામલો પણ વધુ વિવાદ પકડે તેવી શક્યતા છે.ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષોમાં તડજાેડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી કોંગ્રેસ માટે સક્રિય પ્રચાર કરનાર અગ્રણીને ભાજપે મહિલા મોરચાનાં હોદ્દાની લહાણી કરતા ભાજપમાં સક્રિય કામ કરતી મહિલા કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠયો છે.
તો બીજી તરફ દર વખતની જેમ કોંગ્રેસ આ વખતે પણ પોતાના કાર્યકરોને સાચવવામાં થાપ ખાઈ રહી છે. જેનાં પરિણામે આગામી દિવસો વધુ લોકો ભાજપનો ખેસ ધારણ કરી લેય તેવા અણસાર વર્તાઈ રહ્યા છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જાહેર થવાના અણસાર આવી જતાં ભાજપા કોંગ્રેસને મહાત આપવા સક્રિય થઈ ગયું છે. ભાજપે ઘણા સમયથી વોર્ડ બેઠકો અને સંકલન સમિતિની રચના કરી માઈક્રો પ્લાનિંગ સાથે કામગીરી આરંભી દીધી હતી. એમાંય કોંગ્રેસના મજબૂત અગ્રણીઓને ભાજપમાં લાવવા છેલ્લા ઘણા સમયથી કવાયત શરૂ કરી દેવાઈ હતી. જેમાં ભાજપે કોંગ્રેસના મહિલા અગ્રણીની વિકેટ પાડીને મહિલા મોરચાના હોદ્દાની લહાણી કરી દીધી છે. વોર્ડ-૧૦માં કોંગ્રેસના ઉમેદવારો સાથે ડોર ટૂ ડોર પ્રચાર કરી પંજા માટે મત માગનારા જીજ્ઞાબેન મહેતાને ભાજપે મહિલા મોરચામાં વોર્ડ ૧૦ માં જ પ્રમુખનો હોદ્દો આપ્યો છે. ભાજપની આ કવાયતની સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ એડી ચોટીનું જાેર લગાવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ત્રણેય પક્ષો એકબીજાના કાર્યકરોને ખેંચવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
Recent Comments