ભાજપ MLA ગૌમાતાને લઇને વિધાનસભા પહોંચી ગયા, પણ માતા તો અકળાઇ ગયા ને પછી…
રાજસ્થાન વિધાનસભાના સાતમા સત્રની બેઠક 19 સપ્ટેમ્બરના રોજ ફરીથી શરૂ થઈ છે. જ્યાં વિપક્ષ ભાજપના ધારાસભ્યોના હોબાળાની વચ્ચે સદનની કાર્યવાહી પહેલા પાંચ મિનિટ અને બાદમાં મંગળવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી. પુષ્કરના BJP ધારાસભ્ય સુરેશ સિંહ રાવત લમ્પી રોગ અને ગાયોના મોત બાબતે વિરોધ કરવા માટે પોતાની સાથે એક ગાય લઈને આવ્યા હતા. એટલું જ નહીં, વિધાનસભાની બહાર ધારાસભ્ય જ્યારે મીડિયા આગળ નિવેદન આપી રહ્યા હતા, બસ તેજ સમયે ગાય ત્યાંથી દોરડું છોડાવીને ભાગી ગઈ હતી. આ પછી ગાયને પકડવા માટે રાવતની સાથે આવેલા લોકોએ પાછળ દોડીને તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો.
અહીં તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના (RLP) ત્રણ ધારાસભ્યોએ ગાય વંશમાં ફેલાઈ રહેલા ચામડીની બીમારી લમ્પીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે પોસ્ટર પોતાની સાથે રાખી મૂક્યા હતા. ઘોંઘાટ અને હોબાળાની વચ્ચે સોમવારના રોજ ચાલી રહેલી ગૃહની કાર્યવાહીને પહેલા પાંચ મિનિટ અને પછી મંગળવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી. આ પહેલા ભાજપના સભ્યોએ વિધાનસભા અધ્યક્ષ ડો.સી.પી. જોશીની ઓફિસમાં પણ ધરણા કર્યા હતા.
મુખ્ય મંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, ‘મેં તો લમ્પી ચામડીના રોગને લઈને 15 ઓગસ્ટના રોજ એક બેઠકનું આયોજન કરીને વિપક્ષના નેતાઓને બોલાવ્યા હતા, દરેક સાથે વાત કરી હતી, ધર્મગુરુઓ સાથે વાત કરી હતી. અમારી પ્રાથમિકતા એ છે કે, લમ્પી રોગથી ગાયોના જીવ કેવી રીતે બચાવી શકાય.પરંતુ રસી ભારત સરકાર આપશે, દવાઓ પણ સરકાર ઉપલબ્ધ કરાવશે, તો આવી સ્થિતિમાં, અમે તો માંગ ભારત સરકાર પાસે કરી રહ્યા છે કે, તમે તેને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરો. આ માંગ પર વિપક્ષના નેતાઓ અમારો સાથ આપે, તેની જગ્યા પર આ લોકો અહીં ધરણા કરી રહ્યા છે, અહીં બેસીને નાટક કરી રહ્યા છે. અમને લમ્પી રોગની ચિંતા છે, વિપક્ષ પાસેથી ઈચ્છીએ છે કે તેઓ અમને સહયોગ આપે.’
એક ધારાસભ્ય લમ્પી રોગ તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે એક ગાયને લઈને વિધાનસભા પરિસરની નજીક પહોંચ્યા. જોકે, આ ગાય પરિસરની અંદર નહીં ગઈ. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાના સાતમા સત્રની બેઠક છેલ્લીવાર 28 માર્ચના રોજ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.
Recent Comments