ભાટ પાસે તસ્કરો અમૂલ આઇસ્ક્રીમ ટ્રાન્સપોર્ટ કરતી ટ્રક ચોરી કરી ફરાર
રાજ્યભરમાં ચોરીની ઘટનાઓમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. બેફામ બનેલા તસ્કરોને જાણે કે કાયદાનો ડર જ ન હોય તેમ ગુનાને અંજામ આપી રહ્યાં છે. ત્યારે ગાંધીનગરના ભાટ ગામના શ્રી ક્રિસ્ટલ ફ્લેટની સામેના રોડ પરથી તસ્કરો અમૂલ આઈસ્ક્રીમ ટ્રાન્સપોર્ટ કરતી રૂ. ૩૪.૫૦ લાખની કિંમતની આંખે આખી ટ્રક ચોરીને ફરાર થઈ જતાં પોલીસ ખાતામાં દોડધામ મચી છે. સ્થાનિક પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાંચે તસ્કરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યાં છે.
ગાંધીનગરનાં સેકટર-૨૬ કિસાનનગરમાં રહેતા અજયસિંહ જગદીશસિંહ ચાવડા સાઈ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ કંપની ચલાવે છે. જેમની કુલ ૧૭ રેફ્રિજરેટર વાન (ટ્રક)માં અમૂલ આઈસ્ક્રીમનાં ટ્રાન્સપોર્ટનું વહન કરવામાં આવે છે. જે પૈકીની રૂ. ૩૪.૫૦ લાખની કિંમતની ટ્રક ભાટ ગામ રોડ પરથી ચોરાઈ ગયાની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, અજયસિંહ ગત. તા. ૨૫મી જુલાઈના રોજ ઘરે હાજર હતા તે દરમિયાન ટેન્કરના ડ્રાઈવર ગુલાબસિંહએ ફોન કરીને જણાવ્યું હતું કે, રેફ્રિજરેટર ટ્રકની બેટરી ઉતરીના જાય તે માટે ટ્રક લઈને આટો મારવા માટે ભાટ તરફ નીકળ્યા હતા. તે વખતે રાત્રીના સાડા આઠ વાગ્યાની આસપાસ તેમણે ટ્રક ભાટ ગામના શ્રી ક્રિસ્ટલ ફ્લેટની સામે રોડ પર પાર્ક કરી હતી.
ટ્રક પાર્ક કરીને ગુલાબસિંહ ઘરે જમવા માટે ગયા હતા અને રાત્રીના અગિયાર વાગે ટ્રક લેવા પરત ફર્યા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો ટ્રક ચોરીને ફરાર થઈ ગયા હતા. આથી ટ્રકમાં લગાવેલા જીપીઆરએસ સિસ્ટમ થકી ટ્રકનું લોકેશન જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ જીપીઆરએસ સિસ્ટમથી વાકેફ ઈસમોએ ટ્રકની ચોરી કરતા પહેલા જીપીઆરએસ સિસ્ટમના વાયરો કાપી નાખ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
ગુલાબસિંહે ટ્રકને શોધવા આસપાસના વિસ્તારો તેમજ હાઈવે માર્ગો પર તપાસ કરી હતી, પરંતુ ટ્રકનું ક્યાંય પગેરૂ મળી આવ્યું ન હતું. આખરે અજયસિંહે ફરિયાદ આપતાં અડાલજ પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
Recent Comments