ગુજરાત

ભાયાવદર પાલિકા પ્રમુખ દારૂના નશામાં પોલીસને ગાળો દેતા ધરપકડ કરાઈ

ભાયાવદર પાલિકાના પ્રમુખે દારૂના ચિક્કાર નશામાં સ્થાનિક પોલીસના બીટ જમાદાર પંકજસિંહ જાડેજાનું નામ લઈ બેફામ વાણી વિલાસ કરવા લાગ્યા હતા. તેથી ત્યાં ઉભેલા લોકોના ટોળામાંથી કોઈ વ્યક્તિએ વીડિયો બનાવીને વહેતો કરી દેતાં ભાયાવદર પીએસઆઈ એસ.વી.ગોજીયા તથા સ્ટાફના જવાનોએ વોચ ગોઠવી નગર પાલિકા પ્રમુખને પીધેલી હાલતમાં ઘર તરફ જતી વખતે ઝડપી લીધા હતા અને કાયદાનું ભાન કરાવીને એક નશાખોર હાલતનો અને બીજાે પોલીસને જાહેરમાં ગાળો દેવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરીને ભાયાવદર પાલિકા પ્રમુખને લોકઅપ હવાલે કર્યો હતો.

ભાયાવદરના સરદાર પટેલ ચોકમાં કોઇ ટીખળખોરોએ સરકારની નીતિને વખોડવા અને પોલીસને બદનામ કરવા આસપાસના વિસ્તારોમાંથી દારૂની ખાલી બોટલો એકઠી કરીને ગોઠવી દીધી હતી અને સરકારની તેમજ પોલીસની ઢીલી નીતિ સામે સવાલો ખડા કર્યા હતા અને તેનો વીડિયો જાહેર થયો હતો. આથી આ બાબતની જાણ નગર પાલિકા પ્રમુખને થતાં તેઓ ખુદ દારૂના ચિક્કાર નશામાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અમુક લોકોની હાજરીમાં જ પોલીસને ફોન કરીને બિભત્સ ગાળો ભાંડી હતી. આ વીડીયો પણ જાહેર થઇ જતાં પોલીસ તાબડતોબ હરકતમાં આવી ગઇ હતી અને પીધેલી હાલતમાં જ પાલિકા પ્રમુખની ધરપકડ કરી તેનો નશો ઉતારી લોકઅપના હવાલે કરી દીધા હતા.

Related Posts