fbpx
રાષ્ટ્રીય

ભારતમાં કોરોનાએ વેગ પકડ્યોઃ એક જ દિવસમાં ૨૨ હજારથી વધુ નવા કેસ નોંધાયા

દેશમાં કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે. કોરોના વાયરસના ફરીથી સતત વધતા કેસે ચિંતા વધારી દીધી છે. જાે આપણે ફેબ્રુઆરી મહિના સાથે તુલના કરીએ તો માર્ચમાં કોરોનાના કેસ ડબલ થઇ ગયા છે. ફેબ્રુઆરીમાં ત્રણ થી ચાર દિવસ દરરોજ ૧૧ થી ૧૨ હજાર કેસ સામે આવી રહ્યા હતા તો ગુરૂવારના રિપોર્ટ પ્રમાણે કોરોના સંક્રમણના એક જ દિવસમાં ૨૨૦૦૦થી વધુ નવા કેસ સામે આવ્યા. અંદાજે અઢી મહિના બાદ દેશમાં કોરોનાના ૨૨ હજાર નવા કેસ સામે આવ્યા છે. તો આ સતત ૮મો દિવસ એવો છે જ્યારે એક દિવસમાં કોરોનાના ૧૫૦૦૦થી વધુ નવા કેસ સામે આવ્યા છે.

દેશમાં એક દિવસમાં કોવિડ-૧૯ના ૨૨૮૫૪ નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમણના કેસ વધીને ૧,૧૨,૮૫,૫૬૧ થઇ ગયા. તો ૧૨૬ લોકોના મોત બાદ મૃતકોની સંખ્યા વધીને ૧,૫૮,૧૮૯ થઇ ગઇ છે. દેશમાં અત્યારે ૧,૮૯,૨૨૬ લોકો કોરોના વાયરસ સંક્રમણની સારવાર ચાલી રહી છે અને ૧,૦૯,૩૮,૧૪૬ લોકો સંક્રમણ મુક્ત થઇ ચૂકયા છે. તો દિલ્હીમાં લગભગ બે મહિના બાદ કોરોના વાયરસ સંક્રમણના સૌથી વધુ ૩૭૦ નવા કેસ સામે આવ્યા.

મુંબઇમાં એક વખત ફરીથી કોરોના વાયરસ ઝડપથી પગ પેસારો કરી રહ્યું છે. મુંબઇમાં ૪ મહિના બાદ કોરોનાના નવા કેસ ૧૧૦૦થી વધુ મળી રહ્યા છે. માર્ચના શરૂઆતના સપ્તાહથી કોરોનાના નવા કેસ ૧૦૦૦થી વધુ મળી રહ્યા છે. ૧ માર્ચથી ૯ માર્ચ સુધી મુંબઇમાં કોરોનાના ૯૬૬૯ નવા દર્દી મળ્યા છે, જ્યારે ઑક્ટોબરમાં આ ૯ દિવસમાં ૧૯૬૯૯ દર્દી મળ્યા હતા.

કર્ણાટકમાં કોરોનાના દક્ષિણ આફ્રિકન સ્ટ્રેન
કર્ણાટકમાં દક્ષિણ આફ્રિકાના કોરોના વાયરસના ચેપના સ્ટ્રેનનો પહેલો કેસ નોંધાયો છે. રાજ્યના આરોગ્ય વિભાગે બુધવારે પોતાના બુલેટિનમાં આ માહિતી આપી હતી. જાેકે, વિભાગે આ મામલે વિસ્તૃત માહિતી આપી નથી. કર્ણાટકમાં અત્યાર સુધીમાં ૨૯ લોકો કોરોના વાયરસના બ્રિટિશ સ્ટ્રેનથી સંક્રમિત થઇ ચૂકયા છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં ત્રણ વખત એક દિવસમાં કોરોના સંક્રમણના ૧૦ હજારથી ઓછા દર્દીઓ આવ્યા હતા. ત્યારબાદ માર્ચમાં કોરોનાવાળા દર્દીઓની સંખ્યા વધી રહી છે. અગાઉ ગયા વર્ષે ડિસેમ્બરમાં દરરોજ ૨૦ હજારથી વધુ કેસ નોંધાયા હતા. ફરી એકવાર કોરોનાના રોજિંદા કેસો ૨૨ હજારનો આંકડો વટાવી ગયા છે.

Follow Me:

Related Posts