અદાણી મુંદ્રા પોર્ટમાં થયેલા દેશના સૌથી મોટા હેરોઈન ડ્રગ્સ સીઝર બાદ હવે તેનો નાશ કરવાની પ્રક્રિયાને આખરી ઓપ આપી દેવાયો છે. કોર્ટના આદેશ બાદ પરીક્ષણ સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ કરાઈ છે ત્યારે હવે સંભવત આ મહિનાના અંત સુધીમાં તેને આગના હવાલે કરી નાશ કરી દેવાશે. આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સના જથ્થાનો નાશ તે સંભવત સમગ્ર વિશ્વ માટે પ્રથમ ઘટના બની રહેશે. જેને જન જાગૃતિના આશયથી ‘એન્ટ્રી ડ્રગ્સ કેમ્પેઈન’ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવશે. સપ્ટેમ્બર,૨૦૨૧ના અદાણી મુંદ્રા પોર્ટ ખાતે ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા ઈનપુટના આધારે અફઘાનિસ્તાનથી વાયા ઈરાન પોર્ટ થઈને આવેલા બે કન્ટેનર રોકીને તપાસ કરાવી હતી. જેમાં ટેલ્કમ પાવડર હોવાનું ડિક્લેરેશન હતું પરંતુ તપાસ કરતા હેરોઈન ડ્રગનો જથ્થો હોવાનું ખુલતા, દેશના ઇતિહાસમાં સૌથી મોટું ૩ ટન હેરોઈનનું સીઝર કરાયું હતું, જેની કિંમત ૨૧ હજાર કરોડ રુપિયા હોવાનો અંદાજ લગાવાયો હતો.
એનઆઈએની વિશેષ કોર્ટે આ જથ્થાનો નાશ કરવા ગત મહિને આપેલા આદેશ બાદ વિશેષ ટીમનું ગઠન કરાયું હતું, જેણે આ સમગ્ર પ્રક્રિયાને નિયમાનુસાર પાર પાડવાનું નિરીક્ષણ હાથ ધર્યું હતું. ડ્રગ્સના કેસની ગણતરીઓ અને ગણનાનું કાર્ય મજીસ્ટ્રેટની ઉપસ્થિતિમાં પૂર્ણ કરાયું છે. સુત્રોએ જણાવ્યું કે જથ્થાનું સેમ્પલીંગ, વજન, ચકાસણી સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ કરાઈ છે, હવે ગાંધીધામ નજીક સરકાર માન્ય હેઝાર્ડર્સ વેસ્ટ ડિસ્ટ્રોય યુનીટમાં આ જથ્થાને આગ હવાલે કરીને નાશ કરવામાં આવવાનો તખ્તો તૈયાર કરાયો છે.સંભવત આ મહિનાના અંત સુધીમાં આ પ્રક્રિયા પુર્ણ કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવી રહ્યા છે. આટલી મોટી માત્રામાં ઝડપાયેલા ડ્રગ્સના કારણે વિવિધ ચર્ચાઓ પણ છેડાઈ હતી ત્યારે સરકારના અભિગમને સ્પષ્ટ કરવા તેમજ યુવાનોને સંદેશ આપવાના ઉદ્દેશ્યથી આ નાશ પ્રક્રિયાને ‘એન્ટી ડ્રગ્સ કેમ્પઈન’ તરીકે સરકાર અને વિભાગ દ્વારા પ્રમોટ કરવામાં આવી રહ્યું છે.
નોંધવું રહ્યું કે આ કેસમાં શરૂઆતે ડીઆરઆઈએ તપાસ કર્યા બાદ આતંકવાદી ફડીંગનું કનેક્શન બહાર આવતા કેસ એનઆઈએને અપાયો હતો. આ કેસમા અત્યાર સુધી ૧૨ લોકોની ધરપકડ કરાઈ હતી, જેમાંથી મુખ્ય ૭ આરોપીઓ અમદાવાદની જેલના સળીયા ગણી રહ્યા છે. જપ્ત ડ્રગ્સનો ત્રણ ટન એટલે કે ત્રણ હજાર કિલોનો જથ્થો રાખવા માટે સરકારની ઉપલબ્ધ સુચીત જગ્યાઓ ઓછી પડી હતી. કેટલોક જથ્થો કસ્ટમ વિભાગના સ્ટ્રોંગ રુમમાં રખાયો હતો,પરંતુ તેની જગ્યા પણ ખુટી પડતા બીએસએફના સુરક્ષા કવચ હેઠળ બાકીનો જથ્થો રખાયો હતો. જ્યાં તેની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવા વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.
Recent Comments