રાષ્ટ્રીય

ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૮,૯૪૯ નવા કેસ, ૫૪૨ના મોત

કોરોનાનો દૈનિક પોઝિટિવિટી રેટ ૩% કરતા નીચો નોંધાયો

દેશમાં કોરોના વાયરસના કેસ ફરી એકવાર ચિંતા વધારી રહ્યા છે. જાેકે, ૨૪ કલાકમાં નોંધાયેલા કેસ ફરી એકવાર ૪૦ હજારની અંદર નોંધાયા છે. ગઈકાલે રજૂ કરાયેલા આંકડામાં ૨૪ કલાકમાં કોરોનાના ૪૧,૮૦૬ કેસ નોંધાયા હતા અને ૩૯,૧૩૦ દર્દીઓ સાજા થયા હતા. જાેકે, આજે નવા કેસની સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધારે નોંધાઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૩૮,૯૪૯ નવા સંક્રમણ નોંધાયા છે, જ્યારે ૫૪૨ દર્દીઓના મોત થયા છે. ગઈકાલે ૫૮૧ દર્દીઓના મોત નોંધાયા હતા જેની સામે આજનો આંકડો ઘટ્યો છે.

કોરોના વાયરસના સાજા થયેલા દર્દીઓની સંખ્યા નવા કેસની સામે મોટી નોંધાઈ છે. દેશમાં ૨૪ કલાકમાં ૪૦,૦૨૬ દર્દીઓ સાજા થયા છે, આ સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૩,૦૧,૮૩,૮૭૬ થઈ ગઈ છે. દેશમાં કોરોનાના કુલ સંક્રમિતોનો આંકડો વધીને ૩,૧૦,૨૬,૮૨૯ પર પહોંચ્યો છે. ભારતમાં કુલ કોરોનાના લીધે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા વધીને ૪,૧૨,૫૩૧ થઈ ગઈ છે. નવા કેસની સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાતા એક્ટિવ કેસનો આંકડો ઘટીને ૪,૩૦,૪૨૨ થઈ ગયો છે.

સાજા થતા દર્દીઓની સંખ્યા વધતા રિકવરી રેટ વધીને ૯૭.૨૮% થયો છે. દેશમાં હાલના કોરોનાના કુલ કેસની સામે એક્ટિવ કેસની ટકાવારી ૧.૩૯% છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૨.૧૪% સાથે ૫% કરતા નીચો રહ્યો છે. દૈનિક પોઝિટિવિટી રેટની ટકાવારી ૧.૯૯% થાય છે, જે પાછલા ૨૫ દિવસથી ૩% કરતા નીચો રહ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાની રસીના કુલ ૩૮,૭૮,૦૭૮ ડોઝ આપવામાં આવ્યા છે જ્યારે કુલ ડોઝની સંખ્યા વધીને ૩૯,૫૩,૪૩,૭૬૭ થઈ ગઈ છે.

આઇસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ૧૫ જુલાઈ સુધીમાં કુલ ૪૪,૦૦,૨૩,૨૩૯ સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ગઈકાલે વધુ ૧૯,૫૫,૯૧૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

Related Posts