રાષ્ટ્રીય

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના સ્થાપના દિવસની કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી સણોસરા ખાતે ઉજવણી કરવામાં આવી

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના સ્થાપના દિવસની કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી સણોસરા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજધાની નવી દિલ્લી ખાતેથી કૃષિ પ્રધાનશ્રી નરેન્દ્રસિંહ તોમર અને મહાનુભાવો દૂરસંપર્ક પ્રણાલીથી આ ઉજવણીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાથે જોડાયાં હતાં.

        નવી દિલ્હી ખાતે યોજાઇ રહેલ મુખ્ય કાર્યક્રમમાંથી દૂર સંપર્ક માધ્યમ દ્વારા મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયના કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલા, કેન્દ્રીય કૃષિ મંત્રી (રાજ્યકક્ષા) શ્રી કૈલાશ ચૌધરીએ દેશભરના ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકોને સંબોધિત કરતાં સરકારશ્રીના વિવિધ પ્રયાસો અને તેમાં ખેડૂતો અને  ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના વૈજ્ઞાનિકોએ આપેલ સાથ સહકારની સરાહના કરતાંકૃષિ ક્ષેત્રે દેશને અગ્રેસર લઈ જવાં આહ્વાન કર્યું હતું. 

        કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમરે મુખ્ય અતિથિ પદેથી દેશના વિવિધ રાજ્યોના ખેડૂતો સાથે ચર્ચા કરી પ્રોત્સાહિત કર્યા હતાં. તેમજ પોતાના ઉદબોધન દરમ્યાન ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના કાર્યકાળમાં કૃષિ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની પ્રવૃત્તિઓને બિરદાવી હજુ પણ વધારે ઉત્સાહપૂર્વક કામ કરીને નવાં લક્ષ્યાંકો નક્કી કરી તેને સર કરવા પ્રયત્નશીલ રહેવા હાકલ કરી હતી.

        કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. નિગમ શુક્લએ આવકાર આપી કાર્યક્રમની રૂપરેખા અને હેતુ સમજાવી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાથે સંકળાયેલ ખેડૂતોના ઉદ્યમ અને કોઠાસૂઝને બિરદાવી હતી. તેમણે ખેડૂતોએ હાંસલ કરેલ સિધ્ધિઓને બિરદાવી અને અન્ય ખેડૂતોને પણ તે અપનાવી આગળ વધવાં માટે હાકલ કરી હતી.

        લોકભારતી વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિશ્રી ડો. વિશાલભાઈ ભાદાણીએ વૈશ્વિક સ્તરે કૃષિ ક્ષેત્રે થઈ રહેલાં આવિષ્કારોને જિલ્લાના સામાન્ય ખેડૂતો પણ અપનાવી શકે તે માટે લોકભારતી વિશ્વ વિદ્યાલયની કટિબધ્ધતા રજૂ કરીને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની વિસ્તરણ પ્રવૃત્તિ સાથે જોડાઈને જિલ્લાના ખેડૂતોને મદદરૂપ બનવાં માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. 

        લોકભારતી વિશ્વવિદ્યાલયના રજિસ્ટ્રારશ્રી ડો. રાજેન્દ્રભાઈ ચોવટીયાએ પોતાના વર્ષોના વેદોના અધ્યયન અને અધ્યાપનના અનુભવને આધારે વેદોમાં ઉલ્લેખિત કૃષિ ક્ષેત્રની મહત્વની ભલામણો પ્રસ્તુત કરીને ખેડૂતોને ભારતની પ્રાચીન પરંપરા સમાન વૈદિક / ઋષિ ખેતી અને હાલે પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કર્યાં હતાં.

        વિસ્તરણ વૈજ્ઞાનિકશ્રી ડો. સરોજબેન ચૌધરીએ ખેતીની આવકમાં વધારો કરવામાં સફળ રહેલાં ખેડૂતોની સાફલ્ય ગાથા રજૂ કરી હતી.   

        આ કાર્યક્રમમાં સણોસરા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી યુનિવર્સિટીના શ્રી વિશાલભાઈ ભાદાણી તથા શ્રી રાજેન્દ્રભાઈ ચોવટિયાએ ઉપસ્થિતિ ખેડૂતોને પ્રાસંગિક માર્ગદર્શન આપ્યું હતું.  કાર્યક્રમના અંતે કૃષિના વિવિધ ક્ષેત્રે પ્રસંશનિય કામગીરી કરવા બદલ ખેડૂતો, વૈજ્ઞાનિકો અને સંસ્થાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

ગૃહવિજ્ઞાનના વૈજ્ઞાનિકશ્રી શ્રીમતી શિલાબેન બોરીચાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવાં માટે શ્રી શીલાબેન બોરીચા સાથે શ્રી સરોજબેન ચૌધરીએ જહેમત ઉઠાવી હતી. સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળે શુભેચ્છા સંદેશો પાઠવી શુભકામના પાઠવી હતી.

Follow Me:

Related Posts