ભારતીય તિરંગાની તાકાતે યુદ્ધ વચ્ચેથી વિદ્યાર્થીઓ હેમખેમ ઘરે પહોંચ્યા
ભારતીય તિરંગો કેટલો શક્તિશાળી છે તેનો અનુભવ રશિયા યુક્રેનયુદ્ધમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને થયો છે. વિદેશની ધરતી પર ચાલેલા ભીષણ યુદ્ધ વચ્ચે જિંદગી અને મૃત્યુ વચ્ચે બહુ ઝાઝુ અંતર નહોતું એ સમયે ઇન્ડિયન યૂથ માટે ભારતીય તિરંગો ‘વોરપ્રૂફ’ કવચ બનીને આવ્યો અને યુવાનોની જિંદગી બચાવી. આ સાથે વિશ્વની મહાસત્તાઓ સહિત અન્ય દેશોએ પણ જાેયું કે, ભારતના તિરંગાનું સામર્થ્ય કેટલું છે. આ અંગે એમબીબીએસના છઠ્ઠા વર્ષમાં અભ્યાસ કરતો ભારતીય વિદ્યાર્થી ઉદય ખૂંટ જણાવે છે કે, હમારી જાન તિરંગા હૈ – આ લાગણીઓ જન્મી હતી, જયારે હું અને મારા મિત્રો રશિયા-યુક્રેનના યુદ્ધમાં રોમાનિયા બોર્ડર પર ૯ દિવસ માટે ફસાઈ ગયા હતા.
ભારત સરકારની સૂચના હતી કે ભારતીયો રાષ્ટ્રધ્વજનો સહારો લઈને રોમાનિયા, પોલેન્ડ કે હંગેરીની બોર્ડર સુધી પહોંચી જાય. અમે વિદ્યાર્થીઓ હોવાના નાતે કાગળ અને કલર અમારી પાસે હતા, જેમાંથી અમે રાષ્ટ્રધ્વજ બનાવ્યો અને બસની આગળ માનપૂર્વક રાખ્યો હતો. આવા સમયે તિરંગો જ અમારા માટે વિશ્વાસ હતો અને તિરંગો જ વરદાનરૂપ સાબિત થયો. રોમાનિયા બોર્ડર સુધી પહોંચવામાં બે જગ્યાએ અમારી બસોને ઊભી રાખવામાં આવી હતી. એક વાર યુક્રેનિયન સૈનિકોએ અને એક વાર રશિયન સૈનિકોએ બસને ઊભી રાખી હતી. રાષ્ટ્રધ્વજ જાેઈને પુછ્યું કે,ઈન્ડીયન્સ? અમે હા પાડી ત્યાર બાદ તુરંત જ અમને આગળ જવાની મંજૂરી આપી દીધી. આ જાેઈને હૈયું ગર્વથી બોલી ઉઠ્યું હતું કે, સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા.
અમે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તિરંગાની મદદથી અમે રોમાનિયન બોર્ડર સુધી પહોંચી શકીશુ. ત્યાંથી વડાપ્રધાન મોદીજીએ ચાલુ કરેલા ઓપરેશન ગંગા મારફતે અમને ભારત લાવવામાં આવ્યા હતા. આમ જાેઈએ તો, વિદેશની ભૂમિ પર વસવાટ કરતા ઉદય ખૂંટ જેવા અનેક ભારતીય નાગરીકો માટે તિરંગો ખરેખર જીવન રક્ષક સાબિત થયો છે. જેના કારણે અન્ય દેશના નાગરીકોમાં તિંરગા પ્રત્યે માન સન્માનની લાગણીઓમાં વધારો થયો છે. હાલ દેશવાસીઓમાં સ્વાભિમાનની, રાષ્ટ્રચેતના જગાડવાના અવસર સમાન હર ઘર તિરંગા અભિયાનની તૈયારીઓ થઈ રહી છે
ત્યારે ભારતીય તિરંગાએ વિદેશની ભૂમિ ઉપર પણ પાથરેલા પ્રભાવની ઘટનાઓ તાજી થઈ છે.રશિયા-યુક્રેનનું યુદ્ધ છેલ્લા ૧૫૯ દિવસથી યથાવત છે અને હજુ ત્યાં હાહાકાર મચ્યો છે.ત્યારે કોઈ દેશના રાષ્ટ્રધ્વજએ વિશ્વયુદ્ધ જેવા માહોલમાં એબ્ય દેશની ભૂમિ પર નાગરિકોના-યુવાનોના જીવ બચાવ્યા હોય… એટલું જ નહીં આ ધ્વજએ માનપૂર્વક વિશ્વમાં પોતાનો પ્રભાવ વધાર્યો હોય તેવી જવલ્લે જ જાેવા મળતી ઘટનાઓ પણ ભારતીય તિરંગાની શાનની સાક્ષી છે.ત્યારે યુક્રેનના યુદ્ધમાં ફસાયેલા ભારતીય વિધાર્થીઓ ના જીવન તિરંગાથી બચ્યાની ઘટનાઓ હજુ સાવ તાજી છે.
Recent Comments