રાષ્ટ્રીય

ભારતીય હાફૂસ કેરી આ વર્ષે અમેરિકામાં એક્સપોર્ટ થશે

અમેરિકામાં ભારતીય કેરીની ખૂબ માગ છે. ભારતે ૨૦૧૭-૧૮માં અમેરિકામાં ૮૦૦ મેટ્રિક ટન કેરીની નિકાસ કરી હતી. આના કારણે ભારતને ૨.૭૫ મિલિયન ડોલરની આવક થઈ. તેવી જ રીતે, ૨૦૧૮-૧૯માં યુએસમાં ૩.૬૩ મિલિયન ડોલરની કિંમતની ૯૫૧ મેટ્રિક ટન કેરીની નિકાસ કરવામાં આવી હતી. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં, યુએસમાં ૪.૩૫ મિલિયન ડોલરની કિંમતની ૧,૦૯૫ મેટ્રિક ટન કેરીની નિકાસ કરવામાં આવી હતી. યુએસડીએની મંજૂરી બાદ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા જેવા પ્રદેશોમાંથી ઉચ્ચ ગુણવત્તાની કેરીની નિકાસ કરવાનો માર્ગ મોકળો થઈ જશે. આ તમામ કેરી ઉત્પાદક રાજ્યો છે. તેનાથી ખેડૂતોને ઘણો ફાયદો થશે. આ રાજ્યોમાં કેરી મોટા પાયે ઉગાડવામાં આવે છે. ભારત વિશ્વમાં સૌથી વધુ કેરી ઉત્પાદક દેશ છે. એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્‌સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે આ ર્નિણય ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાંથી કેરીની સ્વાદિષ્ટ જાતો જેમ કે લંગડા, ચૌસા, દસહરી, ફાઝલી વગેરેની યુએસમાં નિકાસ કરવાનો માર્ગ મોકળો કરશે. દાડમની નિકાસ પણ એપ્રિલ ૨૦૨૨થી શરૂ થશે. એ જ રીતે ભારત એપ્રિલ ૨૦૨૨થી અમેરિકાથી ચેરી અને આલ્ફાલ્ફા સૂકા ઘાસની આયાત કરવાનું શરૂ કરશે.કેરી ઉગાડતા ભારતીય ખેડૂતો માટે આ ખુશીના સમાચાર છે.

કેન્દ્ર સરકારે આગામી સિઝનમાં યુએસમાં ભારતીય કેરીની નિકાસ માટે યુનાઇટેડ સ્ટેટ્‌સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર પાસેથી મંજૂરી મેળવી છે. હવે માર્ચથી ભારત આલ્ફોન્સો જાતની કેરીની નિકાસ કરી શકશે. આલ્ફોન્સો (હાપુસ) ભારતની સૌથી મોંઘી કેરી છે. તેને કેરીનો રાજા કહેવામાં આવે છે. વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૦ દરમિયાન ભારતે અમેરિકામાં રેકોર્ડ ત્રણ હજાર મેટ્રિક ટન કેરીની નિકાસ કરી હતી. આ દર્શાવે છે કે ત્યાંના લોકો ભારતીય કેરીના મોટા ચાહક છે. કૃષિ નિષ્ણાતોનું અનુમાન છે કે કેરીની નિકાસ ૨૦૨૨માં નવો રેકોર્ડ બનાવશે. અમેરિકાના લોકો હવે ભારતમાંથી સારી ગુણવત્તાની કેરી મેળવી શકશે. અમેરિકાએ ૨૦૨૦થી જ ભારતીય કેરીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. કારણ કે કોવિડ-૧૯ રોગચાળાને કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરી પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે યુએસડીએના નિરીક્ષકો ભારતની મુલાકાત લઈ શક્યા ન હતા. થોડા મહિના પહેલા ૨૩ નવેમ્બર, ૨૦૨૧ના રોજ યોજાયેલી ૧૨મી-અમેરિકન ટ્રેડ પોલિસી ફોરમ મીટિંગ અનુસાર, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ અને યુનાઇટેડ સ્ટેટ્‌સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ, ભારત અને યુએસ ભારતીય કેરી, દાડમ અને અમેરિકન ચેરી અને આલ્ફાલ્ફા સૂકેલા ઘાસ આયાત પર વિકિરણને લઈ સંયુક્ત પ્રોટોકોલનું પાલન કરશે.

Related Posts