ભારત અને ચીનના સંબંધોને કેવી રીતે પાછા પાટા પર લાવવા તે મોટો પડકાર : વિદેશ મંત્રી
વિદેશ મંત્રીએ ભારત અને ચીન વચ્ચેના સંબંધો અંગેનો ઉલ્લેખ કરતા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વર્ષ ૧૯૮૮માં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી ચીન ગયા હતા. તે સમયે પણ સરહદે શાંતિ પર વાતચીત થઇ હતી. બન્ને દેશોએ વિવિધ સમજૂતીઓ કરી અને આગળ વધ્યા હતા. જેનાથી વિશ્વાસ પેદા થયો હતો. એસ જયશંકરે સાથે એમ પણ કહ્યું કે આટલા વર્ષોમાં ચીન સરહદે શાંતિ રહી પણ ગત વર્ષે મોટી સંખ્યામાં ચીની સૈનિકો સરહદે આવી ગયા હતા. જ્યારે ભારતે તેનો વિરોધ કર્યો ત્યારે જુનમાં બન્ને દેશોના સૈન્ય વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં બન્ને પક્ષના જવાનોની શહાદત થઇ હતી. જેનાથી બન્ને દેશોની દ્વિપક્ષીય વાતચિત અને સંબંધો પર મોટી અસર જાેવા મળી હતી. હાલ ભારત અને ચીનના સંબંધોને કેવી રીતે પાછા પાટા પર લાવવા તે મોટો પડકાર છે.વિદેશ મંત્રી એસ જયશંકરે આંતરરાષ્ટ્રીય સંબંધો અને ભારત અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સંબંધોના નવા તબક્કામાં ભારતે એન્ટ્રી કરી લીધી છે. દુનિયા આંતરરાષ્ટ્રીય સંબંધોના નવા તબક્કામાં પ્રવેશ કરી રહી છે અને તેમાંથી ભારત પણ બાકાત નથી. સાથે તેમણે કહ્યું કે ચીનની તાકાત વધી રહી છે જે વિશ્વ માટે મોટો પડકાર બની રહેશે જ્યારે બીજી તરફ અમેરિકાને મહાસત્તા બની રહેવા માટે ફાંફા પડી રહ્યા છે. વિદેશ મંત્રીએ કહ્યું કે આવનારા દિવસોમાં ચીનની વધી રહેલી તાકાત વૈશ્વિક તાકતોની સરખામણીએ વધુ મહેસુસ કરવામાં આવશે. જે એક મોટો પડકાર બની રહેશે. વિદેશ મંત્રી જેજી ક્રોફર્ડ ઓરેશન ૨૦૨૧ને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આવનારા સમયમાં ઇંડો-પેસિફિક આંતરરાષ્ટ્રીય રણનીતિના મુળમાં હશે. તેમણે સાથે અમેરિકાનો ઉલ્લેખ કરતા કહ્યું કે હાલ વૈશ્વિક શક્તિ તરીકે અમેરિકા મોટા સંઘર્ષનો સામનો કરી રહ્યો છે.
Recent Comments