fbpx
અમરેલી

ભારત સરકારના બ્રીડ સુધારણા કાર્યક્રમ હેઠળ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની યોજના અમરેલીની ધરતી પર સાકાર થઈ- કેન્દ્રીય મંત્રી પરષોતમભાઈ રૂપાલા

ભારત સરકારના બ્રીડ સુધારણા કાર્યક્રમ હેઠળ આઈ.વી.એફ. ટેકનોલોજીના પ્રયોગ દ્વારા અમરેલીની અમર ડેરીના ગીર ગાયના સંવર્ધન માટે તૈયાર કરવામાં આવેલા સેન્ટર ઓફ એક્સેલન્સ હેઠળ ગીર ગાયના એમ્બ્રીયોથી  આઈ.વી.એફ. ટેકનોલોજી દ્વારા જન્મેલી પ્રથમ વાછરડીના કેન્દ્રીય પશુપાલન  ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી પરષોતમ ભાઈ રૂપાલાએ દિવાળીની પૂર્વ સંધ્યાએ અમરેલી મુકામે વધામણા કર્યા હતા. અમરેલીની નેત્ર ચિકિત્સા ટ્રસ્ટની ગૌશાળા ખાતે ગત તા.૦૯ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ જન્મેલી વાછરડી  અને ગાયને ગોળ ખવરાવી કેન્દ્રીય પશુપાલન મંત્રીશ્રીએ ભારતીય પરંપરા મુજબ વધામણા કર્યા હતા.

      આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યુ કે, ભારત સરકારના બ્રીડ સુધારણા કાર્યક્રમ હેઠળ આઈ.વી.એફ.ના પ્રયોગ દ્વારા ગીર ગાયના એમ્બ્રીયો પ્રત્યાર્પણ વડે પહેલીવાર ગીર ગાયની વાછરડી જન્મી છે. પશુપાલકો આ ટેકનોલોજીનો  મહત્તમ ઉપયોગ કરી અને પશુ ઓલાદ સુધારણા કરે અને ઉચ્ચ પ્રકારની ઓલાદની ગીર ગાયની સંખ્યા વધે અને તેનું સંવર્ધન થાય તેના માટે આ યોજના કાર્યરત છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની આ યોજના  સાકાર થતા આઈ.વી.એફ.થી

ગીર ગાયની પહેલી વાછરડી અમરેલીની ધરતી પર જન્મી છે. કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ગીર ગાયનો એમ્બ્રીયો અમર ડેરીની લેબ હેઠળની વાનમાં તૈયાર કરવામાં આવ્યો હતો. આ અંગે અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલિયાએ જણાવ્યુ કે, ગીર ગાયની ઓલાદના અંડ બીજ અને આ  જ ઓલાદના આખલાના વીર્ય દ્વારા ગીરની જ ધરા પર પહેલી વાર એમ્બ્રીયો અમર ડેરીની લેબમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો. આમ, દેશી ગીર ગાયમાં આઈ.વી.એફ.થી વાછરડીના જન્મનો આ પ્રથમ સ્થાનિક કિસ્સો છે.

      આ એમ્બ્રીયો અમર ડેરીના પશુ ચિકિત્સક ડૉ. રાઘવેન્દ્રએ તૈયાર કર્યો  હતો અને ડૉ. સામંત ધ્રાંગુ ગાયમાં પ્રત્યાર્પણ કર્યો હતો. એમ્બ્રીયો તૈયાર કરવા માટેના પશુ બીજ દાનની પ્રક્રિયા વિશે માહિતી આપતા ગૌ શાળા સંચાલક ડૉ. અર્પણ જાનીએ જણાવ્યુ હતુ કે, આ એમ્બ્રીયો ગત તા. ૨૬મી જાન્યુઆરીના રોજ પ્રતાપપરા સ્થિત ફાર્મ પર વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં એકત્રિત કરવામાં આવ્યો હતો.

      આ પ્રસંગે અમરે ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલિયા અને ડેરીના સેન્ટરના કર્મયોગીઓને કેન્દ્રીય મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા અને આ ટેકનોલોજી થકી દેશમાં ઉચ્ચપશુ ઓલાદનું સંવર્ધન થઈ શકશે તેવી આશા વ્યક્ત કરી હતી. વાછરડીના જન્મ સમયે પશુપાલન વિભાગના લાઈવ સ્ટોક ઈન્સપેક્ટર શ્રી શૈલેષભાઈએ વાછરડીના જન્મ માટે ઉઠાવેલી જહેમત બદલ કેન્દ્રીય મંત્રીશ્રીએ તેમનું પણ સન્માન કરી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં અમર ડેરીના ચેરમેનશ્રી, ગૌશાળાના ટ્રસ્ટીગણ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts