અમરેલી

ભારે વરસાદની આગાહી ને ધ્યાને લેતા ખેડૂતોને સલામત રહેવા અને આગાહી દરિમયાન ખેતી કામ બંધ રાખવા અનુરોધ

 હવામાન ખાતાની વિગતો મુજબ આગામી ૪૮ કલાક જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી છે. અગમચેતીના પગલાના ભાગ રુપે, આગાહીનાં દિવસોમાં જરુરી ન હોય તો તમામ ખેડૂતોને કે ખેત મજૂરી કરતા તમામ વ્યક્તિઓએ ખેતી કાર્યો માટે ખેતરે જવું નહિ. બિન જરુરી રીતે ખેતરે જવા માટેના નદી-નાળા, વોકળા ઓળંગવા નહિ કે જળાશયો કે નદીઓની નજીક ન જવા અને સાવચેત રહેવા અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા અપીલ છે. ખેતી કાર્યોમાં, હાલ ખાતરો કે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો નહિ કે તેનો ઉપયોગ ટાળવો.પશુઓના બચાવ માટે તેમને ખૂંટાથી છુટા રાખવા તેમજ પોતાના માલઢોર સલામત સ્થળે ખસેડવા, સૂકાયેલા ઘાસ ચારાને ઢાંકીને રાખવો તેમજ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતા સૂચનાઓનું પાલન કરી યોગ્ય સાથ સહકાર આપવા ખાસ અનુરોધ છે.વધુમાં, આપાતકાલીન સ્થિતિ જણાય તો જિલ્લા અને તાલુકા કંટ્રોલ રુમ અથવા તો અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, ગામના ગ્રામસેવક, તાલુકાના વિસ્તરણ અધિકારીશ્રીનો સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts