ભાવનગરનાં આદિજાતિ છાત્રાલયમાં રહેતાં સાબરકાંઠાનાં યુવાન મુકેશભાઈ ખેરનું તબીબ બનવાનું સપનું ‘ફ્રી શીપ કાર્ડ યોજના’ દ્વારા થયું સાકાર
ભાવનગરનાં આદિજાતિ છાત્રાલયમાં રહેતાં સાબરકાંઠાનાં જિલ્લાનાં ખારીબૈડી ગામનાં યુવાન શ્રી મુકેશભાઈ ખેરનું તબીબ બનવાનું સપનું ‘ફ્રી શીપ કાર્ડ યોજના’ થકી સાકાર થયું છે. આ ઉપરાંત છાત્રાલયમાં કોઇ ફી વગર સાનુકૂળ વાતાવરણ અને ગુણવત્તાયુક્ત ભોજન મળતું હોવાથી તેઓ નિશ્ચિંતપણે અભ્યાસ કરી શકે છે. મુકેશભાઇ જણાવે છે કે,મારાં પરિવારમાં અમે સાત સભ્યો છીએ. અમારી આર્થિક પરિસ્થિતિ બહુ સારી ન હોવાથી મારા મમ્મી-પપ્પા છુટક મજૂરી કરીને અમારું ગુજરાત ચલાવે છે. જેથી અમે ત્રણ ભાઈઓ અને બે બહેનોને અભ્યાસમાં ખૂબ જ મુશ્કેલીઓ પડતી હતી. અમારાં ગામમાં અત્યાર સુધીમાં કોઇડૉક્ટર બન્યું ન હોવાથી ડૉક્ટર બની લોકોની સેવા કરવી છે બસ એ જ સંકલ્પ સાથે મેં વધુ અભ્યાસનો મક્કમ નિર્ધાર કર્યો. સંકલ્પ લેવો સહેલો હતો. જો
કે આ સંકલ્પને સાકાર કરવાનાં માર્ગમાં સૌથી મોટી અડચણ અમારી નબળી આર્થિક સ્થિતિ હતી, પરંતુ સરકારશ્રીની અનુસુચિત જન જાતિ માટે અમલમાં મૂકાયેલી ‘ફ્રી શીપ કાર્ડ યોજના’ મારા માટે આશાનું કિરણ બની અને મારું ડૉક્ટર બનવાનું સપનું ખરા અર્થમાં સાકાર થયુ. હાલ હું ભાવનગરની કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ અમરગઢ ખાતે બેચરલ ઓફ ડેન્ટલ સર્જરીમાં ( BDS) અભ્યાસ કરૂં છું જેમાં મને ‘ફ્રી શીપ કાર્ડ યોજના’ ખુબ જ મદદરૂપ થઈ છે.
મુકેશભાઈ સરકારશ્રીનાં પ્રયત્નોને બિરદાવતા કહે છે કે, રાજ્ય સરકાર દ્વારા સંચાલિત આદિજાતિ વિકાસ વિભાગ કુમાર છાત્રાલય,ભાવનગરમાં હું છેલ્લા ચાર વર્ષથી રહું છું, જેમાં ફી પેટે મારે એકપણ રૂપિયો ભરવો પડ્યો નથી. આ છાત્રાલયમાં અભ્યાસ માટે સાનુકૂળ વાતાવરણ તેમજ ગુણવત્તાયુક્ત ભોજન સમયસર આપવામાં આવતું હોવાથી મારો મોટા ભાગનો સમય અભ્યાસમાં આપી શકું છું. આ અગાઉ મને સરકારશ્રી દ્વારા ટેબ્લેટ પણ આપવામાં આવ્યું છે જેના થકી હું અદ્યતન પ્રકારનું શિક્ષણ મેળવી શકું છું તેમજ મારી જેવા અનેક આદિજાતિવિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં ઉપયોગી બની રહે તેવી સરકારશ્રીની વિવિધ યોજનાઓની ગુણવત્તાસભર માહિતી પૂરી પાડી રહ્યો છું. અત્રે ઉલ્લેખનીય છે કે, વિકાસ સર્વસમાવેશક, સર્વપોષક અને સર્વ વ્યાપક હોવો જોઈએ.” આવા સ્પષ્ટ અભિગમથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જનકલ્યાણના દરેક ક્ષેત્રને પ્રગતિના શિખરે પહોંચાડવા પ્રયત્નશીલ છે.સરકારશ્રીએ આદિવાસીઓના કલ્યાણ માટે અનેકવિધ યોજના અમલમાં મુકી છે ત્યારે આવી યોજનાના સથવારે આદિવાસી સમાજ વિવિધ ક્ષેત્રમાં વિકાસના નૂતન આયામો સર કરી રહ્યાં છે.
Recent Comments