ભાવનગરના ‘અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર’ મોતીબાગ અને શિહોર ખાતે ‘યુવા શક્તિ દિવસ’ નો કાર્યક્રમ યોજાયો
તા.૧લી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ‘સુશાસનના પાંચ વર્ષ’ ના સુશાસનના સેવાયજ્ઞના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.
તે અંતર્ગત આજે આ કડીના છઠ્ઠા દિવસે ભાવનગર જિલ્લામાં ‘યુવા શક્તિ દિવસ’ અંતર્ગત ભાવનગરના ‘અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર’ મોતીબાગ ખાતે શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિહોર ખાતે ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણીના અધ્યક્ષસ્થાને ‘યુવા શક્તિ દિવસ’ ના કાર્યક્રમ યોજાયાં હતાં. .
ભાવનગરના મોતીબાગ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, રાજ્યમાં અનેક આઇ.ટી.આઇ., ડિપ્લોમા કોલેજની સ્થાપના કરી આ ઇન્સ્ટિટ્યૂટોમાં ઉદ્યોગ સાનુકૂળ માનવબળ તૈયાર કરી રાજ્યના યુવાનોને વ્યાપક રોજગારના અવસર ઉપલબ્ધ બનાવ્યાં છે.
આ સંદર્ભમાં મંત્રીશ્રીએ કહ્યું કે, ખેતીમાં અનેક લોકોને રોજગારી આપી શકાય તેમ છે તેની શક્યતાને પગલે જુનવાણી કૃષિ પધ્ધતિને બદલે આધુનિક કૃષિ પધ્ધતિ અપનાવવાથી ઉત્પાદન અને ઉત્પાદકતા વધી છે. આથી, વેચાણ વધે, પાકનું પરિવહન કરવું પડે આ બધી વ્યવસ્થા ગોઠવવાં વધુ લોકોની જરૂર પડે આમ, રોજગારના વધુ અવસરો ઉભા થાય છે.
આજ રીતે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાં માટે રાજ્યમાં પ્રતિ બે વર્ષે વાઇબ્રન્ટ સમીટ કરવામાં આવે છે. જેના લીધે રાજ્યમાં મૂડીરોકાણ વધ્યું છે. આ બધાને લીધે પણ રાજ્યમાં રોજગારની વ્યાપક તકો ઉભી થઇ છે.
મંત્રીશ્રી વધુમાં જણાવ્યું કે, આજે રાજ્યમાં ૫૦ હજાર યુવાનોને રોજગાર આપવાના લક્ષ્યાંક સામે ૬૬ હજાર લોકોને રોજગારી મળી છે. તેવી જ રીતે ભાવનગરમાં ૬૦૦ લોકોને રોજગારી આપવાનાં લક્ષ્યાંક સામે ૯૫૦ યુવાઓને આજે રોજગારીના અવસર મળ્યાં છે.
તેમણે યુવાનોને પ્રામાણિકતા, દ્રઢ નિષ્ઠા અને મક્કમતાથી કાર્ય કરવાં અનુરોધ કરતાં કહ્યું કે, કોઇ કામ નાનું નથી હોતું આપણે જો તેમાં મન ખુપાવી દઇએ તો આગળ જતાં સફળતા મળે જ છે. તક ન મળે તો નિરાશ ન થતાં વધુ મહેનત કરી ઇચ્છીત ફળ મેળવી શકાય છે તેવી શીખ આપતાં નાસીપાસ ન થવાં શીખ આપી હતી.
તેમણે કહ્યું કે, રોજગાર અને વિકાસ એ સિક્કાની બે બાજુ છે. જો વિકાસ થશે તો આપોઆપ રોજગારના અવસર ઉભા થવાના છે. આ માટે સરકારી નીતિ પણ યોગ્ય હોવી જોઇએ. આ માટે રાજ્યભરમાં જી.આઇ.ડી.સી.ની સ્થાપના કરી અનેક રોજગારના અવસર ઉભા કરાયાં છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, છેલ્લાં ૫૦ વર્ષામાં જે સમસ્યાઓ હતી. તેનું અમારી સરકારે નિદાન શોધી તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો છે. આથી આ કોઇ ઉજવણી નથી પરંતુ કરેલાં સેવા કાર્યો લોકો સુધી લઇ જવાનો સેવાયજ્ઞ છે.
તેમણે કહ્યું કે, અમારી સરકારે સફળતાપૂર્વક ૫ વર્ષનું શાશન દાયિત્વ નિભાવીને લોકોની આશા, અપેક્ષાઓ સંવેદનશીલતા, પ્રગતિશીલતા, નિર્ણાયકતા અને પારદર્શકતાના ચાર પાયાના આધાર પર પૂરી કરી છે.
ગરીબોને અનાજ, ગરીબોના બાળકો માટે ખાનગી શાળાને ટક્કર આપે તેવી સ્માર્ટ સ્કૂલો, આધુનિક માળખાગત વિકાસ કરી રાજ્યની તમામ દિશાઓમાં વિકાસના દ્વાર ખોલી નાંખ્યાં છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું કે, વર્તમાન સરકારે ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના દ્વારા દિવસે વિજળી આપી છે. જેથી ખેડૂતને રાત્રીના ઉજાગરાં કરવામાંથી મુક્તિ મળશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ૩ મહિના પહેલાં શરૂ કરેલ સાત પગલાં કૃષિ કલ્યાણના યોજનાથી રાજ્યના ખેડૂતને વાવણી થી માંડીને વેચાણ સુધીની સહાયતા અને મદદ કરી છે.
કલેક્ટરશ્રી યોગેશ નીરગુડેએ પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ, ખેડૂતો માટે કાર્યક્રમ કર્યા બાદ ભારતનું ભાવી જેના હાથમાં છે તેવા યુવાનો માટે આજે કાર્યક્રમ યોજાઇ રહ્યો છે તે આનંદની વાત છે. તેનાથી વધુ મહત્વની વાત છે કે, આપણે ભાવનગર જિલ્લામાં ૬૦૦ યુવાઓની જગ્યાએ ૯૫૦ લોકોને રોજગારી આપી શક્યાં છીએ. આ કાર્યક્રમમાં આ પ્રસંગે ડેપ્યુટી મેયરશ્રી કુમારભાઈ શાહ, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એમ.એ.ગાંધી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનશ્રી ધીરૂભાઈ ધામેલીયા, દંડકશ્રી પંકાજસિંહ ગોહિલ, પ્રાંત અધિકારીશ્રી પુષ્પલત્તાબહેન સહિતના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ તથા રોજગારના નિમણૂંક પત્ર મેળવનાર યુવાઓ ઉપસ્થિત રહ્યાં હતાં
Recent Comments