fbpx
ભાવનગર

ભાવનગરના ભંડારીયા ગામે ૩૦૦ વર્ષથી ભવાઇ વેશ સાથે પરંપરાગત રીતે ઉજવાતી નવરાત્રી

અત્યારે નવરાત્રી ચાલી રહી છે અને આજનો અષ્ટમીનો દિવસ માતાજીની આરાધના અને ભક્તિ માટે ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે. આજના દિવસે ભક્તો પોતાના વતનમાં માતાજીને નૈવેધ્ય ચડાવવાં માટે જગતના ગમે તે છેડે હોય છતાં પોતાના આરાધ્ય દેવીને રીઝવવાં અને પ્રાર્થના કરવાં માટે પહોંચે છે. તે રીતે આજના દિવસનું અનોખું મહત્વ છે.

        આ નવરાત્રી સાથે અનેક કથાઓ જોડાયેલી છે. આપણી પરંપરા અને વિરાસતને જાળવીને અનેક જગ્યાઓએ તેનું આજે પણ ચુસ્ત રીતે પાલન કરવામાં આવે છે. આવી જ એક જગ્યા છે. ભાવનગર પાસેનું  ભંડારિયા ગામ……

        આ ગામમાં આવેલા શ્રી બહુચરાજી માતાના સ્થાનકે ઉજવાતાં નવરાત્રી મહોત્સવની ૩૦૦ વર્ષ કરતાં પણ જૂની પરંપરા મુજબ ઉજવાતા નવરાત્રી ઉત્સવમાં આજે પણ સૌરાષ્ટ્રની પ્રાચીન પરંપરાની મહેક અકબંધ રીતે જળવાઇ રહી છે.

        અહીંના માણેકચોકના રંગ મંડપમાં શક્તિ થિયેટર્સનાં રંગમંચ પર ભજવાતાં ધાર્મિક-ઐતિહાસિક નાટકો ભવાઇ ખૂબ જ જાણીતી અને લોકપ્રિય છે. એક સમયે ભંડારિયાની ભવાઇ જોઇને દાતાના રાજવીઓએ ’મુંડકી વેરો’ (એક પ્રકારનો દર્શન માટેનો વેરો… ભૂતકાળમાં મીનળદેવીએ જે રીતે સોમનાથ માટે માફ કરેલો તે રીતે) માફ કરેલો. તે વખતની ભવાઇ કેટલી અદભૂત હશે કે દાતાના રાજવીઓએ તે જોઇએ આવો નિર્ણય લીધેલો. તે તેના મહત્વને દર્શાવે છે. જે વાતનું આજે પણ ગોહિલવાડ ગૌરવ લે છે.

        આજથી સાત દસકા પૂર્વની આ વાત છે. ભંડારિયા બહુચરાજી મંદિરમાં નવરાત્રિના નવ દિવસ સુધી સતત ભવાઇ વેશો ભજવાતાં હતાં. ત્યારે ભવાઇ મંડળે ખેડબ્રહ્મા પાસે આવેલા અંબાજીના ધામમાં માતાજીનાં ‘ગોખ’ પાસે ભવાઇ ભજવવાં જવાનું નક્કી કર્યું.

        ત્યાંના રજવાડામાં એવો એક નિયમ હતો કે, બ્રાહ્મણ હોય તે જ વ્યક્તિ ભવાઇ વેશ માતાજીનાં ગોખની સામે પડમાં રમી શકે. પરંતુ સૌરાષ્ટ્રનાં ભાવસિંહજી તખ્તસિંહજીના રાજ્યમાં ભડી ભંડારિયામાં દરેક જ્ઞાતિનાં લોકો ભવાઇ રમતાં હતાં. જે પરંપરા આજે પણ ચાલું છે.

        ભંડારિયાના લોકોએ ત્યાં ભવાઈ વેશ જોઇને ત્યાંના રાજવીઓને ખુશ  થયાં હતાં. આ વેશ જોઇએ  ત્યારે રાજવીએ પોતાના ભોજપત્રના કાગળ પર ભાવનગર શહેરના ભાવેણાના ’ભડી ભંડારિયા’ ગામેથી પધારતાં કોઇપણ સ્ત્રી, પુરૃષ આબાલ વૃધ્ધ, બાળકોનો ‘મુંડકાવેરો’ ન લેવાનો આદેશ આપી તમામ ભવાઇ વેશના કલાકારોનું બહુમાન કરી  તેમનું સન્માન કર્યું હતું અને તેમને નવાજ્યાં હતાં.

        ભંડારિયા ગામમાં આજે પણ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હિંદુ, મુસ્લિમ સાથે મળીને માતાજીની આરતી કરીને ભવાઇ વેશ ભજવે છે.

        ભંડારિયાનાના માણેકચોકમાં રમાતી ભવાઇ બગદાણાવાળા પૂ.બજરંગદાસ બાપા પણ નીહાળવાં માટે આવતાં હતાં. ભંડારિયામાં આજે પણ પરંપરા મુજબ નાટકો રમવામાં આવે છે.

        સમયનાં બદલાતાં વ્હેણ સાથે ભવાઇનાં સ્થાને નાટક યોજવામાં આવે છે. પરંતુ નાટકો જોવાં માટે પણ બહારગામથી લોકોની ભારે ભીડ જામે છે. આજેય ભંડારિયા ગામમાં આ ચોકમાં ડિસ્કો દાંડિયાને કોઇ સ્થાન નથી.

        તેમજ આ નાટક જોવાં આવનાર દરેક વ્યક્તિને એક સમાન જ આસન પર બેસવું પડે છે. કોઈ પણ નેતા હોય કે કલેક્ટર આજે પણ આ નાટકમાં આ ચોકમાં ઉચા આસને બેસી ના શકે તેવી પરંપરાનું પાલન કરવામાં આવે છે.

        ભવાઈની શરૂઆતમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને ચોકમાં માતાજીની માંડવી પધરાવવામાં આવે છે. ત્યારે પૌરાણિક વાદ્ય ભૂંગળ વગાડવામાં આવે છે. આમ, પારંપરિક વાદ્યો સાથે માણેકચોકમાં ભવાઈ નાટક ભજવવામાં આવે છે. અહીં ભવાઈ નાટક રમતા લોકો સરકારી નોકરિયાત, બિઝનેસમેન પણ છે. પરંતુ સૌ કોઈ માતાજીને રાજી કરવા માટે તેમને આપવામાં આવેલો વેશ કોઇપણ શરમ વિના ભજવે છે.

        શ્રી ભંડારિયા બહુચરાજી મંદિર દ્વારા કોઇ દિવસ ફંડફાળો કે ઉઘરાણું કરવામાં આવતું નથી. નાટક દરમિયાન “વન્સ મોર” ને અહીંયા સ્થાન નથી. મંદિરમાં ભૂવા ડાક કે ધૂણવાં દેવામાં આવતા નથી.

        અહીં ગમે તેટલી મોટી ભેટ ધરનાર કોઇપણ વ્યક્તિની વ્યક્તિગત જય બોલાવવામાં આવતી નથી. માત્ર ‘અંબે માત કી જય…’ એટલું જ બોલવામાં આવે છે. નાટકના અંતે માતાજી નો “મુજરો”  (સ્તુતિ) કરવામાં આવે છે. જેમાં સ્ત્રી પાત્ર ભજવનાર પુરુષો ઘુંઘટ તાણી અને મંદિરમાં માતાજીની સ્તુતિ કરે છે અને સૌ કોઈ સ્તુતિમાં ભાગ લે છે. આઠમનાં દિવસે માતાજીનો સ્વાંગ રચાય છે. આ પ્રસંગે માતાજીના દર્શનાર્થે ભાવિકોનો મેળો જામે છે.

        આધુનિક પ્રવાહમાં આપણી પોતીકી અને આગવી પરંપરા નેપથ્ય પાછળ છકેલાઇ રહી છે તેવાં સમયે એક આગવી પરંપરાને સાચવતું આ ગામ આજે પણ વર્ષો પુરાણી પુરાતન પ્રથાને જાળવીને સૌને સમાન અધિકારની વકીલાત કરતું, સૌને સમાન ગણતું આજે પણ પરંપરાને જાળવીને બેઠું છે તે ખરેખર ગૌરવની બાબત છે.

Follow Me:

Related Posts