ગુજરાતભરમાં ગઈકાલથી દરેક તાલુકા સ્તરે બ્લોક હેલ્થ મેળાઓની શરૂઆત કરવામાં આવી છે.જે અંતર્ગત ભાવનગર જિલ્લાના સિહોર ખાતે બ્લોક હેલ્થ આરોગ્ય મેળાનું આયોજન સિહોર ખાતે કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલે આ આરોગ્ય મેળાનો શુભારંભ કરાવતા જણાવ્યું કે, ભાવનગરનું આરોગ્ય તંત્ર પૂરી નિષ્ઠાથી કામગીરી કરી રહ્યું છે.ભાવનગર જિલ્લાના આરોગ્ય તંત્રની પ્રસંશનીય કામગીરીને લીધે આજે ભાવનગર જિલ્લાના ગામડાના છેવાડાના વિસ્તારો સુધી આરોગ્ય સેવાઓનું ફલક પહોંચી ચૂક્યું છે.
આજે સિહોર ખાતે આરોગ્ય મેળાનું આયોજન કરીને અનેક લોકોની આરોગ્ય, પોષણ, આયુર્વેદિક સારવાર કરવામાં આવનાર છે તે પ્રશંસનીય છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
સિહોર નગરપાલિકાના પ્રમુખશ્રી વી.ડી. નકુમે છેવાડાના માનવીને મદદરૂપ થવાનાં સરકારના પ્રયત્ન વિશે વિશદ છણાવટ કરીને કેવી રીતે આરોગ્ય મેળા ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ઉપયોગી બની રહ્યા છે તેની વિસ્તૃત વાત કરી હતી.
સિહોર ખાતે યોજાયેલા બ્લોક કક્ષાના આરોગ્ય મેળામાં ૩૪૮ લાભાર્થીઓએ જુદી- જુદી યોજના હેઠળ લાભ મેળવ્યો હતો.
આ આરોગ્ય કેમ્પમાં ડાયાબિટીસના ૩૭, ચામડીના ૨૪, બિનચેપી રોગોના ૧૬, સ્ત્રી રોગના ૧૦, આંખના ૨૭, કુટુંબ નિયોજનના ૧૫, આયુર્વેદિકના ૪૩, હોમિયોપેથીના ૩૧ લાભાર્થીઓ, લેબોરેટરીમાં ૪૮ દર્દી, તરૂણીઓને માર્ગદર્શન અને તપાસ, પી.એમ.જે.વાય. માં કાર્ડના ૧૭૪ લાભાર્થીઓને નવા કાર્ડ અને ૮૫ ને નવા કાર્ડ રીન્યુ કરવામાં આવ્યાં હતાં.
સર ટી. હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા જરૂરી તબીબી સારવાર અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.એ.કે. તાવિયાડે બ્લોક હેલ્થ મેળો યોજવાનો હેતુ સમજાવ્યો હતો. કાર્યક્રમની આભારવિધિ દિગ્વિજયસિંહ ગોહિલ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી અનિલભાઈ પંડિતે કહ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.મનસ્વિનીબેન માલવિયા, જિલ્લા મેલેરીયા અધિકારી ડો. બી.પી. બોરીચા, નિપુલભાઈ ગોંડલીયા, જીતેન્દ્રભાઈ ગજ્જર તથા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય વિભાગના ડૉ. વિજયભાઈ કામળિયા, ડો. પૂજાબા ગોહિલ, ડૉ.મહેશભાઈ પડાયા, ડો.સંજયભાઈ ખીમાણી તથા અન્ય ડૉક્ટરોએ જહેમત ઉઠાવીને આરોગ્ય મેળાને સફળ બનાવ્યો હતો.
આ પ્રસંગે સંકલિત બાળ વિકાસ અધિકારી શ્રી હેમાબેન દવે, ડો. મિલનભાઈ ઉપાધ્યાય, ડો. દર્શનભાઈ ઢેઢી તથા સિહોરનગર અને આસપાસના ગામના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments