ભાવનગરના ૯૪ વર્ષીય માવજીભાઈનો આત્મવિશ્વાસ અત્યંત મજબૂત, કોરોનાને આપી માત
કહેવાય છે કે, મન હોય તો માળવે જવાય. હાલ કોવિડની સ્થિતિ જાેતા લોકોમાં નકારાત્મક વિચારો સતત વધી રહ્યા છે અને લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. આ તકે ૯૪ વર્ષીય માવજીભાઈનો આત્મવિશ્વાસ અત્યંત મજબૂત છે, તેઓએ કોવિડને પણ માત આપી છે અને એક સકારાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓને કોવિડ હોવા છતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા ન હતા. તેમના પૌત્ર ડો.પાર્થિવ ઘેલાણી સાથે વાતચીત કરતા એ વાત સામે આવી હતી કે, તેમના આખા પરિવારને કોવિડ પોઝિટિવ આવેલો હતો, જેમાં તેમના દાદા, તેમના માતા-પિતા, તેમના પત્ની અને તેમના નવજાત બાળકનો પણ સમાવેશ થાય છે, પરંતુ હકારાત્મક અભિગમ અને લાઈફ સ્ટાઈલમાં બદલાવ લાવતા કોવિડથી મુક્ત થવું સરળ બન્યું હતું.
સમગ્ર પરિવારને જ્યારે કોવિડ થયો ત્યારે એક ડર સતત રહેતો કે શું થશે હવે, પરંતુ ૯૪ વર્ષના દાદાનું મનોબળ જાેઈ આ તકલીફ ખૂબ જ નાની લાગવા લાગી. તેમના જણાવ્યા અનુસાર તેમના દાદા હરહંમેશ કહે છે, કે હજુ મારે ૧૦૦ વર્ષ જીવવું છે, જેથી મને કાંઈ પણ નહીં થાય, તેમનો આત્મવિશ્વાસ જાેઈ ખરા અર્થમાં જીવનમાં બદલાવ આવ્યો. તેઓ હોસ્પિટલમાં દરરોજ સ્નાન કરી, નવા કપડાં પહેરતા અને ત્યાં દાખલ થયેલા અન્ય દર્દીઓને પણ પ્રોત્સાહિત કરતા અને પોતાની જાતને સ્વસ્થ રાખવા પણ સૂચવતા. ઘરેથી જે ટિફિન જમવા માટે આવે તેમાંથી તે વોર્ડના દરેક દર્દીને જમાડતા.
વાંચનનો શોખ હોવાથી હોસ્પિટલમાં સતત વાંચન ચાલુ રાખ્યું હતું. ડોક્ટર પાર્થિવએ વધુમાં માહિતી આપતા કહ્યું કે, તેમના પિતાને પણ કોવિડ થયો હતો, જેમાં તેઓને વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા, પરંતુ ૯૪ વર્ષે પણ તેમના દાદા લાકડીના ટેકા વગર તમામ કામ પોતાની જાતે કરે છે અને પરિવારને સતત જાગૃત રાખે છે. બ્રીધિંગ ટેક્નિક પણ યથાવત્ તેમના દ્વારા કરવામાં આવે છે અને પરિવારને પણ કરાવે છે. તેઓએ સ્પષ્ટ સૂચના આપતા કહ્યું હતું કે, સગાં-સંબંધીને પણ ઘરે ખબર કાઢવા ન આવવા જણાવ્યું હતું, અને ફોનનો પણ ખૂબજ ઓછી માત્રામાં ઉપયોગ કરવા જણાવ્યું હતું. તેઓ હરહંમેશ કહે છે કે, જાે મનોબળ મજબૂત હશે તો કોઈ પણ તકલીફમાંથી સહજતાથી નીકળી શકાશે.
Recent Comments