ભાવનગરનું એવું ક્રિડાંગણ જે આઝાદી પહેલાં શરૂ થયું હતું અને આજે પણ પૂર્ણરૂપે કાર્યરત છે
આઝાદી પહેલાં જ્યારે રમત-ગમત અને તે અંગેની તાલીમનો ખ્યાલ પણ વિકસીત થયો નહોતો તે સમયે ભાવનગરમાં સને-૧૯૨૦ માં એટલે કે આજથી ૧૦૨ વર્ષ પહેલાં રમત- ગમત સાથે શરીર સૌષ્ઠવને વિકસીત કરવાનું કેન્દ્ર એટલે કે ગણેશ ક્રિડાં મંડળ અસ્તિત્વમાં આવી ચૂક્યું હતું અને આજે પણ તે પૂર્ણ રીતે કાર્યરત છે. કદાચ તે ગુજરાતનું સૌ પ્રથમ આ પ્રકારનું કેન્દ્ર હશે.
અત્યારે ગુજરાતમાં ૩૬ મી નેશનલ ગેમ્સ ચાલે છે અને ભાવનગરમાં પણ બાસ્કેટબોલ, નેટબોલ અને વોલીબોલની રમત રમાઇ રહી છે ત્યારે અતિતના આયનામાં એક ડોકિયું કરવાનો અવસર છે.
આજે જ્યારે આધુનિક અને સેન્ટ્રલી એ.સી. વાળા ઇન્ડોર સ્ટેડિયમની સફર આપણે ખેડી ચૂક્યાં છીએ. પરંતુ આઝાદી પહેલાં શરીર સૌષ્ઠવ ખીલવવાનો એક વિચાર એક ક્રાંતિકારીને આવ્યો અને ભાવનગરનું આ ક્રિડાંગણ અસ્તિત્વમાં આવ્યું.
ભારતની આઝાદી કાજે અનેક જેલવાસ ભોગવી ચૂકેલાં, આંદામાનની કાળાપાણી પણ સજા ભોગવી ચૂકેલાં સરદાર પૃથ્વીસિંહ આઝાદ ઉર્ફે સ્વામીરાવે તે જમાનામાં અંગ્રેજો સામે ઝીંક ઝીલવાં શરીર મજબૂત બનાવવાની નેમ સાથે શરીરી કસરતનું મહત્વ સમજીને ગણેશ ક્રિડાં મંડળની સ્થાપના ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની મદદથી કરી હતી.
આ ક્રિડામંડળમાં અત્યાર સુધી ૨ લાખથી વધુ ખેલાડીઓ તાલીમ મેળવી ચૂંક્યાં છે તેમ ગણેશક્રિડા મંડળના પ્રમુખશ્રી નટુભા ચુડાસમાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, સ્વામીરાવ ખૂબ જ કરસત કરતાં હતાં. તેઓ નાના હતાં ત્યારે તેઓ પણ આ અખાડામાં તેમના હાથ નીચે તાલીમ લેવાં માટે આવતાં હતાં. તેમના શરીર પર તેઓ તે સમયે સ્વામીરાવને તેલ લગાવીને માલીસ પણ કરી દેતાં હતાં.
અત્યારની જે જગ્યા છે ત્યાં એક સમયે સ્મશાનની વેરાન જગ્યા હતાં. સ્વામીરાવે અહીં રહીને તેનો વિકાસ કર્યો અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તેમની વ્યાયામ પ્રવૃત્તિઓ જોઇને જેટલી જગ્યા જોઇએ તેટલી આપવાની સંમતી આપી હતી. સ્વામી રાવ અત્યારની ગણેશ ક્રિડામંડળની જે જગ્યા છે ત્યાં એક ઓરડીમાં રહેતાં હતાં. સ્વામીરાવ સાથે શ્રી ગણેશ વૈશ્યમ્યાન અને ડો. પુરૂષોત્તમ કાણે પણ તેના આદ્યસ્થાપકો હતાં.
આ ક્રિડામંડળમાં દર વર્ષે ૨,૦૦૦ ખેલાડીઓને વ્યાજબી ભાવે તાલીમ આપવામાં આવે છે. અત્યાર સુધી અહીંથી તૈયાર થયેલાં અનેક ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂંક્યાં છે. આ ક્રિડા મંડળમાંથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછાં ૨ લાખ ખેલાડીઓએ વિવિધ તાલીમ લીધી હશે તેમ તેઓએ તેનો હરખ કરતાં જણાવ્યું હતું.
ભાવનગરમાં અન્ય રમતો સાથે બાસ્કેટબોલના સારા ખેલાડી મળે સાથે વધુને વધુ સારા ખેલાડી તૈયાર કરવાં, નવી ટીમોની રચના કરાવી વધુને વધુ ટુર્નામેન્ટ રમાય તે માટે ગણેશ ક્રિડા મંડળ સક્રિય છે. તેમાં ભાવનગરમાં લંગડી, ખો-ખો, કબડ્ડી, બાસ્કેટબોલ, વોલીબોલ, હેન્ડબોલ જેવી સમગ્ર રમતો ભાવનગરમાં રમાય, રમતનું ધોરણ સુધરે અને ઊંચું આવે તેવી દ્રષ્ટિથી ગણેશ ક્રિડા મંડળ કાર્યરત છે.
Recent Comments