fbpx
ભાવનગર

ભાવનગરમાં આજે ‘રસીકરણ મેગા ડ્રાઇવ’ ના પગલે જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીએ વિવિધ રસીકરણ કેન્દ્રોની મુલાકાત લીધી

સમગ્ર રાજ્યમાં કોરોના સામેની ઝૂંબેશને તેજ બનાવતાં સમગ્ર રાજ્યમાં આજે ‘રસીકરણ મેગા ડ્રાઇવ’ યોજાઇ રહી છે. તે અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ વધુને વધુ રસીકરણ થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

કલેક્ટરશ્રી યોગેશ નિરગૂડેએ ગઇકાલે જ પ્રેસ કોન્ફરન્સ કરી જિલ્લામાં એકપણ વ્યક્તિ કોરોના રસીકરણથી વંચિત ન રહી જાય તે માટેની અપીલ કરી હતી.

રસીકરણની કામગીરી વેગવાન બને અને રસીકરણમાં જોડાયેલાં કર્મચારીઓનું મનોબળ વધે તે માટે ભાવનગર કલેક્ટરશ્રી યોગેશ નિરગૂડેએ આજે વહેલી સવારે ભાવનગર એસ.ટી. બસ સ્ટેશન ખાતેના રસીકરણ કેન્દ્રની મુલાકાત લઇ નીરીક્ષણ કર્યું હતું.

કલેક્ટરશ્રીએ એસ.ટી. ડેપો ખાતે આવેલાં મુસાફરોને પણ આ રસી લઇ પોતાની સાથે સમાજને સુરક્ષિત કરવાં માટે સહયોગ આપવાં સમજ આપી હતી.

તેમણે રસીકરણની કામગીરી વધુ સારી રીતે થઇ શકે તે માટેના ઉપયોગી સૂચનો પણ ઉપસ્થિત આરોગ્ય કર્મચારીઓને કર્યા હતાં. 

ભાવનગર મ્યુનિસિપલ કમિશનરશ્રી એમ.એ.ગાંધીએ પણ આ જ રીતે ભાવનગર રેલ્વે સ્ટેશન ખાતેના રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. રસીકરણને પ્રેરિત કરવાં માટે કોર્પોરેશન તરફથી ૧૮ હજાર લોકોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને હજુ વધુ લોકોનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા પણ આજે વહેલી સવારે ઘોઘા ખાતેના મોરકવાડાના રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. કોરોનાની રસીનો બીનજરૂરી ડર રાખ્યાં વગર જિલ્લાના રસીથી વંચિત તમામ લોકો રસીકરણ કરાવે તે માટે તેમણે નાગરિકોને અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગની સઘન કામગીરીને કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૭૫ ટકા લોકો અને શહેરમાં ૮૫ ટકા લોકો કોરોનાનો પ્રથમ ડોઝ લઇ ચૂક્યાં છે. જિલ્લામાં ૫૦ હજાર લોકો બીજા ડોઝ માટે લાયક છે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગર જીલ્લાના વિવિધ ૬૦૦ સ્થળે ૧,૧૦,૦૦૦ લોકોનું રસીકરણ કરવામાં આવશે તો ભાવનગર શહેરમાં ૨૭,૫૦૦ લોકોનું રસીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

       સમગ્ર રાજ્યમાં કોરોનાના કપરાકાળમાં ઘણાં લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. પરંતુ રાજ્ય સરકારના નક્કર કદમથી લોકોને સમયસર સારવાર મળી રહી તેની સાથે લોકોને સુરક્ષિત રાખવા રસીકરણના અભિયાનને તેજ બનાવવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં પણ વધુમાં વધુ લોકો રસીકરણ કરાવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન હાથ ધરાયું છે.   આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ડોર ટૂ ડોર સર્વે કરીને ગ્રામ્ય સ્તરે લોકોમાં રસીકરણ અંગે જાગૃતિ લાવવામાં આવી રહી છે

Follow Me:

Related Posts