ભાવનગર શહેરમાં ગુરુવારે થયેલી બે અલગ અલગ હત્યાના બનાવમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બંને મૃતક માતા-પુત્ર હોવાનું અને બંનેની હત્યા એક જ શખ્સે નિપજાવી હોવાનું ખૂલ્યું છે. માતા સાથે ગાઢ સંબંધ ધરાવનાર આરોપીએ બુધવારે રાત્રિના મહિલાને શરીરસુખ માણવા માટે બોલાવી હતી. બાદમાં કોઈ કારણોસર આરોપીએ માતા અને તેના સગીર પુત્રની હત્યા નિપજાવ્યાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગત મુજબ આરોપી હેમલ શાહે જ અંકિતા જાેશીને બુધવારે રાત્રિના શરીરસંબંધ બાંધવા માટે બોલાવી હતી. અંકિતા જાેશી તેના સગીર પુત્રને લઈ હેમલ શાહના ફ્લેટ પર પહોંચી હતી. જ્યાં કોઈ કારણોસર હેમલ શાહ અને અંકિતા જાેશી વચ્ચે ઝઘડો થતા આરોપીએ માતા-પુત્રની હત્યા નિપજાવી હતી. આરોપીએ પ્રથમ કોની હત્યા નિપજાવી તે અંગે પોલીસ હાલ તપાસ કરી રહી છે.
ગુરુવારે સવારે વરતેજ-સિદસર રોડ પરથી પોલીસને એક સગીરની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મૃતકના શરીર પરથી ૨૦ થી વધુ તીક્ષણ હથિયારના ઘા મળી આવ્યા હતા. પોલીસે સગીરની ઓળખ મેળવવા અને આરોપીઓ સુધી પહોંચવા તપાસ શરૂ કરી હતી. તો બીજી તરફ સાંજના સમયે પરિમલ ચોક પાસે આવેલા જનકલ્યાણ ફ્લેટના બીજા માળેથી મહિલાની લાશ મળી હતી. જે લાશ મળી હતી તેને ગોદળામાં વીંટાળીને રાખી મુકાઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને મૃતકો વચ્ચે માતા-પુત્રનો સંબંધ હોવાનું સામે આવ્યું હતું. બાદમાં ફ્લેટમા માલિક હેમલ શાહની પુછપરછ કરતા તેમણે જ બંને હત્યાને અંજામ આપ્યાની કબૂલાત આપી હતી.
Recent Comments