fbpx
ભાવનગર

ભાવનગરમાં જમીનના ખોટા દસ્તાવેજ બનાવી વેચી મારવાની પેરવી કરનાર ૨ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ

મૂળ ભાવનગરના વતની અને વ્યવસાય અર્થે મુંબઈ સ્થાયી થયેલા યુવાને તેની પિતૃક માલિકીની જમીનનો બે શખ્સોએ બનાવટી દસ્તાવેજ બનાવી વેચવાની કોશિષ કરી હતી. જેથી આ બન્ને શખ્સો વિરુદ્ધ નિલમબાગ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર બનાવ અંગે નિલમબાગ ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના ગાંધીસ્મૃતિ પાછળ રહેતા અને હાલ મુંબઈમાં ઘાટ કોપર વિસ્તારમાં વ્યવસાય અર્થે સ્થાયી થયેલા મનિષ કાંતિલાલ શાહે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં કનુ નાનુભાઇ રોયલા તથા અજાણ્યા શખ્સ વિરુદ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેના પિતા કાંતિલાલ પ્રેમચંદ શાહ વર્ષો પૂર્વે અલંગમા શિપબ્રેકિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતાં.

જેમાં તેઓએ ઘોઘા તાલુકાના ભૂંભલી ગામની સર્વે નંબરની જમીન ખરીદી હતી અને સમગ્ર કારોબારમાં દેખરેખ માટે કળિયાબીડ વિસ્તારમાં રહેતા કનુ નાનુભાઇ રોયલા પર વિશ્વાસ મૂકી જવાબદારી સોંપી હતી. દરમિયાન થોડા વર્ષો પૂર્વે કાંતિલાલ પ્રેમચંદ શાહનું વૃદ્ધાવસ્થાને લઈને અવસાન થતાં તેના પુત્ર મનિષે પિતૃક માલિકીની મિલ્કત-પ્રોપર્ટી તપાસતાં ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભૂંભલી ગામે જમીન હોવાનું જાણવા મળ્યું હતું. આ દરમિયાન આ જમીન અંગે તપાસ કરતાં હાલ આ જમીન રમણલાલ વૃજલાલ ઓઝા નામના શખ્સના નામે હોય જે અંગે મહેસૂલ વિભાગમાં તપાસ કરાવતા આ જમીનનું નકલી કુલ મુખત્યારનામુ બનાવી જમીનના નકલી દસ્તાવેજાે બનાવ્યાં હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જેથી ફરિયાદીએ તપાસ કરતાં તેના પિતાએ જે વ્યક્તિ પર વિશ્વાસ મૂકી કારભારની દેખરેખ સોંપી હતી એજ વ્યક્તિ કનુ નાનુ રોયલાએ ભૂંભલીની જમીનનો નકલી દસ્તાવેજ બનાવ્યો હોવાનું ખુલતાં મનિષે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં કનુ તથા કુલ મુખત્યારનામા માં તેના પિતાની નકલી સહી કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ તથા ૩૪ મુજબ સહિતની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts