ગુજરાત

ભાવનગરમાં પોલીસે નવાગામની સીમમાં રેડ કરી તો ફક્ત ૨ જુગારીઓ ઝડપાયા, ૮ થયા ફરાર

સિહોર તાલુકાના નવાગામની સીમમાં આવેલી નદીના કાંઠે બાવળની કાંટમાં હાર જીતની જુગારની બાજી માંડી બેસેલા શખ્સો પર પોલીસે રેડ કરતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે આ રેડ દરમિયાન આઠ શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ૧૦ પોલીસ જવાનો રેડમાં હતા તેમાંથી માત્ર ૨ શખ્સોને પોલીસ ઝડપી શકી હતી. આ બનાવ અંગે સિહોર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ શિહોર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.

તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે, નવાગામ સીમાડે આવેલી દરોડ નદીના કાંઠે બાવળની કાટમાં અમુક ઈસમો હાર-જીતની જુગારની બાજી માંડી બેઠા છે. જે જગ્યાએ પોલીસે દરોડા પાડી શખ્સો ગોળ કુંડાળું વાળી પાના વતી પૈસાનો જુગાર રમતા હતા. ૧૦ શખ્સો પૈકી ૨ શખ્સો ઝડપાયા હતા. જેમાં હાર્દિક મુકેશભાઈ જસાણી તથા રવિ મુકેશભાઈ જસાણીને ઝડપી લીધા હતા.

જુગારના પટમાંથી રોકડા રૂપિયા ૧૦,૬૮૦, પાંચ બાઈક કિં.રૂ. ૧,૧૦,૦૦૦ સહિત કુલ રૂ. ૧,૨૦,૬૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે પોલીસના દરોડા દરમિયાન પોલીસને જાેઈ આઠ શખ્સો નાસી છૂટ્યા હતા. જેમાં વિનોદ વાલજીભાઈ બારૈયા, જીતુ ઝીણાભાઈ રાઠોડ, મહેશ ધનજીભાઈ રાઠોડ, જયંતિ ધનજીભાઈ રાઠોડ, રાજેશ દુધાભાઈ ઉનાણી, હરજી, વિકી તથા મેઘજી નાસી છૂટ્યા હતા. આ તમામ શખ્સો વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Related Posts