ભાવનગર કોર્પોરેશન દ્વારા શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં મહિલાઓ માટેના સ્નાનગૃહ બનાવ્યા છે. સામાજિક દ્રષ્ટિએ મૃત્યુ બાદ સ્નાન કર્યા બાદ જ ઘરે જવાનું ઘણા સમાજમાં મહત્વ ધરાવે છે. પરંતુ મહિલાઓ માટે વ્યવસ્થા નહીં હોવાથી છેલ્લા ઘણા વર્ષોથી કોર્પોરેશન દ્વારા અંદાજીત ૩૭ જેટલા મહિલાઓ માટે સ્નાનગૃહ બનાવ્યા છે. તેવી જ રીતે કરચલીયાપરા વિસ્તારમાં વાલ્કેટ ગેટ પોલીસ ચોકી નજીક મહિલાઓ માટેના સ્નાનગૃહમાં બહારથી તો સ્નાનગૃહ એમનું એમ જ પરંતુ સ્નાનગૃહની અંદર આલીસાન રહેણાંક બનાવી નાખ્યું હતું. અને સ્થાનિક વિસ્તારમાં ફરિયાદ મુજબ સ્નાન ગૃહની બહાર જુગારનો અડ્ડો ચાલતો હતો અને જુગારનો અડ્ડો ચલાવનારે સ્નાનગૃહને પોતાની સગવડતા માટે સુવિધા સભર બનાવ્યું હતું
સ્નાનગૃહમા પીઓપી દ્વારા ઇન્ટિરિયર, ટેલિવિઝન, એર કન્ડિશન, ફ્રીજ, સોફાસેટ સહિતની સુવિધા ઊભી કરવામાં આવી હતી. જેની જાણ લાંબા સમયે કોર્પોરેશનને થતા આજે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ સેલ અને ડ્રેનેજ વિભાગ સ્થળ પર પહોંચી જઈ સ્નાનગૃહમાં રાખેલો તમામ સામાન કબ્જે કર્યો હતો. પરંતુ કોર્પોરેશન દ્વારા તેની માલિકીની મિલકતોનું મોનિટરિંગ નહીં રખાતા આટલી હદે દબાણ થઇ જાય છે. અને તંત્ર બેદરકારીની નિંદ્રામાં સુતા રહે છે. ખરેખર તો કોર્પોરેશન દ્વારા નિયમિત રીતે સ્નાનગૃહની સાફ સફાઈ તેમજ મેન્ટેનન્સ કરવું જવાબદારીમાં આવે છે. પરંતુ તંત્રની ગંભીર બેદરકારીને કારણે સ્નાનગૃહમાં દબાણ થઈ ગયું હતું. ક.પરાના વાલ્કેટ ગેટ પાછળ ખખડી ગયેલા મહિલાના સ્નાનગૃહને રીનોવેશન કરાવી તેમાં ટેલિવિઝન, એરકન્ડીશન, ફ્રીજ, સોફાસેટ સહિતની સુવિધાઓ કોર્પો.ની મિલકતમાં ઊભી કરી દબાણ કર્યું હતું.
જે તમામ ચીજવસ્તુઓ રોજકામ કરી કબજે પણ કરી. પરંતુ આ દબાણ કોણે કર્યું હતું તેની તંત્રને કોઇ જાણ જ નથી. આ ચીજ વસ્તુઓનો કોણ માલિક છે તેને શોધવાનો પણ તંત્ર દ્વારા પ્રયાસ કરાયો નથી. સરકારી મિલકતમાં આટલી બધી સુવિધાઓ ઉભી કરવાનો હેતુ જગજાહેર છે. છતાં તત્વો સામે પગલા લેવાયા નથી. જાણવા મળ્યા મુજબ પ્રકાશભાઈ ચુડાસમા નામના વ્યક્તિએ દબાણ કર્યું હતું. જ્યારે સ્નાનગૃહ બહાર ગેરકાનૂની ધંધા ચાલતા હોવાની આસપાસના રહીશોને ફરિયાદ હતી. જુગારના લીસ્ટેડ આરોપી પ્રકાશ ચુડાસમાએ ત્યાં અડ્ડો જમાવેલો હતો. કોર્પોરેશન અને પીજીવીસીએલની ટીમ સાથે ત્યાં જઈ વીજચોરી ઝડપી હતી અને જગ્યા બંધ કરી હતી. અહીં કોઈ જુગારધામ ચાલતું નહોતું
Recent Comments