fbpx
ગુજરાત

ભાવનગરમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ અને આગામી ૩ દિવસ ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગે આજથી ૩ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ભાવનગર જીલ્લામાં મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો હતો. મધરાત્રે ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. ભાવનગર શહેર આનંદનગર, ભરતનગર, ચિત્રા, ફુલસર, કળાનાળા ચોક, વાઘાવાડી રોડ, જષોનાથ ચોક સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદ ગ્રામ્યમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી હતી. ધંધુકા તાલુકામાં વીજળીના કડાકા સાથે મધરાત્રે વરસાદ પડ્યો હતો. વીજળીનો પ્રચંડ કડાકો થતા જ સમગ્ર પંથકમાં અંધારું થયું હતું તેમજ વીજ પુરવઠો ખોરવાયો હતો. હવામાન વિભાગે આજથી ૩ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

આજે ડાંગ, તાપી, સુરત, વલસાડ, નવસારી, નર્મદા, ભરૂચ, પોરબંદર, જૂવાગઢ, અમરેલી, ભાવનગર, મોરબીમાં વરસાદનીવ આગાહી કરવામાં આવી છે. ડાંગ, નવસારી, વલસાડ, તાપી, વલસાડ, દમણ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી આગામી ૩ દિવસ ચક્રવાત આવશે, ઠંડીની શરૂઆત થાય તે પહેલા સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની ભીતિ છે. જ્યારે ૨૨મી ઓક્ટોબરે અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. ચોમાસા બાદ પણ વરસાદ સતત ચાલું રહેલા ખેડૂતો ચિંતિત બન્યા છે. સૌરાષ્ટ્ર પંથકમાં આજે ૧૦૦ થી ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે.

નવેમ્બરના છેલ્લા દિવસોએ ગુલાબી ઠંડીની શરૂઆત થશે. તેમણે જણાવ્યું કે ગ્રહોની દ્રષ્ટિએ ઓક્ટોબર મહિનો વરસાદથી ભરપૂર રહેશે. કેટલાય વિસ્તારો પાણીથી છલોછલ થઈ જવાના છે. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને પણ નુકસાન થશે. તહેવાર ટાણે મોંઘવારીને માર લોકોએ સહન કરવો પડશે. આગામી ૨૪ કલાક ભારે વરસાદ પડશે. એટલું જ નહીં, ૨૨ થી ૨૪ઓક્ટોબર બંગાળની ખાડીમાં ભારે પવન સાથે વરસાદ આવશે, ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવવાના કારણે બરફ પડશે. જેથી ઠંડીમાં વધારો થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ૭ નવેમ્બરે બંગાળની ખાડીમાં ચક્રવાત આવશે. જેની અસર ૧૦ દિવસ પછી તારીખ ૧૭ થી ૧૯ સુધી વધુ વર્તાશે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરથી તકલીફો વધી જશે. ૧૮ ઓક્ટોબર થી ૨૦ નવેમ્બર અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાવાથી ચક્રવાત આવવાની વધુ સંભાવના છે. પરિણામે અણધાર્યો વરસાદ વરસશે. ૨૧ થી ૨૩ ઓક્ટોબર દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર જાેવા મળશે. સૌરાષ્ટ્ર, પંચમહાલ, ઉત્તર ગુજરાત, કચ્છમાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. બપોર પછી વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડશે તેમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે.

Follow Me:

Related Posts