fbpx
ભાવનગર

ભાવનગરમાં રૂા. ૧૦ કરોડના ખર્ચે ૧૦૦ અમૃત સરોવરોનું નિર્માણ થશે

ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની આઝાદીના ૭૫ વર્ષના ઉપલક્ષ્યમાં ૨૪ મી એપ્રિલ, ૨૦૨૨ ના રોજ પંચાયતી રાજના દિવસે દેશના દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરોના નિર્માણનાં કરેલાં આહવાનને પ્રતિસાદ આપતાં ભાવનગર જિલ્લામાં લક્ષ્યાંકિત ૭૫ સરોવરોને બદલે લોકોની માંગણી ધ્યાનમાં રાખીને રૂા. ૧૦ કરોડન ખર્ચે ૧૦૦ તળાવોનું નિર્માણ કરીને ભાવનગરની ધરાને પાણીથી પાણીદાર બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ અંતર્ગત વિવિધ તાલુકાઓમાં કામગીરી હાથ ધરીને તેની શરૂઆત કરી દેવામાં આવી છે. આ વર્ષના ૧૫ મી ઓગષ્ટ,૨૦૨૨ સુધીમાં આ અંતર્ગતની ૨૦ ટકા કામગીરી પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સિંચાઇ વિભાગના સંકલન સાથે રાખવામાં આવ્યો છે.  આ ઉપરાંત આવતી ૧૫ મી ઓગષ્ટ, ૨૦૨૩ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગેની વિગતો આપતાં કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યું કે, સરોવરોના નિર્માણમાં ટેક્નોલોજી સાથે ઇકો સિસ્ટમનો પણ ખ્યાલ રાખીને ચિરંતન વિકાસ કરવામાં આવશે તેવાં નિર્ધાર સાથે ભાવનગરને પાણીથી સભર બનાવવાં માટે અમૃત તળાવોના નિર્માણમાં સ્પેસ ટેક્નોલોજી, જીઓ સ્પેશિયલ ટેક્નોલોજી, ફોટોગ્રામેટ્રી (થ્રી-ડી), ઇન્ફર્મેશન ટેક્નોલોજી, મોબાઇલ એપ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે પાણીના શક્ય વહેણ અને તેની પાણી રોકાવાની શક્યતા ચકાસવાં માટે બાયસેગના માધ્યમથી જીઓ ટેગીંગ કરીને અમૃત સરોવરના સ્થળો પસંદ કરવામાં આવ્યાં છે.

આ સરોવરના નિર્માણ માટે પાણીના રોકાવ અને પાણીના સંગ્રહની વાત ધ્યાનમાં રાખવામાં આવી છે. આ ઉપરાંત ક્યાં, કેવી જરૂરીયાત છે તેનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે.

આ સાથે ભાવનગરના કાળિયાર અભ્યારણ્યના કાળિયારને પીવા માટે ઉનાળામાં પણ પાણી મળી રહે તેવાં ખ્યાલ સાથે અભ્યારણ્ય નજીકના ઘાંઘલી અને ઉંડવીમાં સરોવરનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત જેસર તાલુકામાં સિંહનું વિચરણ જોવાં મળે છે તેને ધ્યાનમાં રાખીને જેસર તાલુકાના કરઝાળામાં પણ સરોવરનું નિર્માણ કરવામાં આવનાર છે.

આમ, પ્રાણી માત્રની ચિંતા કરીને માત્ર માનવ અને માત્ર વિકાસ નહીં, પરંતુ પ્રકૃતિ સાથેના ચિરંતન વિકાસને ધ્યાનમાં રાખીને અમૃત સરોવરોનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવાઓએ આ અંગે જનજાગૃતિ લાવવાં માટે જિલ્લાભરનો પ્રવાસ કરીને મોટાભાગના ગામોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત આ સરોવરથી જે-તે ગામને થનારા લાભથી માહિતગાર કર્યો હતાં.

તેમણે જિલ્લામાં નિર્માણ થનાર સરોવર માટેનો મોટાભાગનો ખર્ચ સરકાર દ્વારા કરીને રાજ્ય સરકાર જ્યારે આપના દ્વારે આવી છે ત્યારે તેનો મહત્તમ લાભ ઉઠાવવા માટે પણ જિલ્લા વિકાસ અધિકારીએ ગામના સરપંચો અને ચૂંટાયેલાં પ્રતિનિધિઓને અનુરોધ કર્યો છે.

આ અંગે સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ડી.આર. પટેલે જણાવ્યું કે, ભાવનગર જિલ્લામાં સૌથી વધુ સરોવરો મહુવા તાલુકામાં ૧૫ અને સૌથી ઓછા ૩ તળાવો વલ્લભીપુર તાલુકામાં આકાર લેશે. આ ઉપરાંત ભાવનગરમાં ૧૦, તળાજામાં ૮, ઘોઘામાં ૧, જેસરમાં ૧૧, પાલિતાણામાં ૧૦, શિહોરમાં ૫, ઉમરાળામાં ૬ અને વલ્લભીપુરમાં ૩ સરોવરોનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લામાં ૭૫ સરોવરોના નિર્માણના લક્ષ્યાંક સામે અત્યાર સુધી બાયસેગના માધ્યમથી જીઓ ટેગીંગ કરીને પાણીના રોકાણની વિપુલ શક્યતા ધરાંવતાં સ્થળોની પસંદગી કરી ત્યાં યુ આકારમાં આડબંધ બનાવવામાં આવશે. જેથી કુદરતી પાણીથી જ આ સ્થળના પાછળના ભાગમાં સરોવરનું નિર્માણ થશે.

તેમણે આ અંગેની ટેક્નીકલ વિગત આપતાં જણાવ્યું કે, આ સરોવરોના નિર્માણથી જિલ્લામાં ૨૪૧.૧૬ કરોડ લીટર પાણીની સંગ્રહ ક્ષમતા વધશે. આ સરોવરના નિર્માણ માટે ૮૫.૧૬ એમ.સી. એફ.ટી. માટીનું ખોદકામ કરવામાં આવશે જેના દ્વારા આ સરોવર માટેનો પારો બનાવવામાં આવશે.

આ રીતે ખોદાયેલ માટીની જગ્યાએ પણ પાણીનો સંગ્રહ થશે અને માટીનો પારો બનાવવાથી પાછળના ભાગમાં પણ સરોવર આપોઆપ બનશે. ચોમાસામાં વહીને દરિયામાં જતું પાણી તેનાથી રોકાશે. જેથી મીઠા પાણીનો સંગ્રહ થશે. આ પાણી પીવાના તેમજ સિંચાઇ એમ દ્વિવિધ કામ માટે ઉપયોગમાં લઇ શકાશે.

આ સિવાય આ પાણીના સંગ્રહથી ભાવનગરની જમીન કે જે ખારાશ ધરાવે છે. તે મીઠા પાણીના સંગ્રહને કારણે તેની ખારાશ ઓછી થશે અને ભવિષ્યમાં આ સરોવરની આસપાસની જમીન ખેતી માટે નવસાધ્ય બનશે.

આ સરોવરોના નિર્માણનું કાર્ય ૧૫ માં નાણા પંચની ગ્રાન્ટમાંથી કરવામાં આવી રહ્યું છે. પરંતુ તેમાં લોકભાગીદારી પણ આવકાર્ય છે. આ ઉપરાંત કંપનીઓ પોતાના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી અંતર્ગતના નાણાનો આ કાર્યમાં ઉપયોગ કરી શકે છે.

આ કામ માટે લોકોની જેટલી સક્રિય ભાગીદારી હશે તેટલું આ કામ મોટું થવાનું છે. આજે કરેલું રોકાણ ભવિષ્યમાં સોનુ થઇને ઉગી નિકળવાનું છે. પાણીથી હર ખેત કો પાની ના સંકલ્પને પણ સાકાર કરી શકાશે.

સિંચાઇ વધતાં નવાં તેમજ બાગાયતી પાકો માટે પણ પાણી ઉપલબ્ધ થશે જેથી આવક સાથે રોજગારીના અવસરો પણ ઉભા થશે.

આ સરોવરોની આસપાસ વૃક્ષોના વાવેતર દ્વારા પ્રકૃતિને પણ નવપલ્લવિત થવાનું કાર્ય થવાનું છે. આ જગ્યા પર ધ્વજવંદન માટેની જગ્યાનું નિર્માણ કરી ૧૫ મી ઓગષ્ટનું આયોજન આ સરોવર કિનારે થાય અને ગામના સ્વતંત્રતા સેનાની કે સેનામાં કાર્યરત સૈનિકોનું  બહુમાન થાય તેવું આયોજન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આમ, ૧૦૦ અમૃત સરોવરોના નિર્માણ દ્વારા ભાવનગરની ધરાં તો અમૃત થવાની છે. આ સાથે પ્રકૃતિ પણ નવપલ્લવિત થશે. સાથેસાથે જમીન નવસાધ્ય થવાં સાથે રોજગારીના નવાં અવસરો પણ નિર્માણ થશે

Follow Me:

Related Posts