ભાવનગરમાં રેડક્રોસ દ્વારા ચાર કૉલેજના ૭૦૦થી વધારે યુવાનોનું કરાયું થેલેસેમિયા પરીક્ષણ
ભાવનગર રેડક્રોસ દ્વારા શહેરમાં જુદી જુદી કોલેજ ખાતે થેલેસેમિયા પરીક્ષણ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪ કૉલેજના ૭૦૦થી વધારે યુવાનોનું થેલેસેમિયા પરીક્ષણ માટે કેમ્પનું આયોજન તેમજ થેલેસેમિયા નાબૂદી માટે પ્રદર્શન, વક્તવ્ય અને પત્રિકા વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ભાવનગર રેડક્રોસ દ્વારા રેડક્રોસ રાજ્ય શાખાના સહકારથી છેલ્લા ૧૨ વર્ષથી થેલેસેમિયા પરીક્ષણનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. સાથે સગર્ભા માટે વિનામૂલ્યે થેલેસેમિયા પરીક્ષણનું કાર્ય રેડક્રોસ કાર્યાલય દિવાનપરા રોડ, ભાવનગર ખાતે કરવામાં આવે છે.
રેડક્રોસના ચેરમેન ડૉ.મિલન દવે, વાઇસ ચેરમેન સુમિત ઠક્કર અને સેક્રેટરી વર્ષાબેન લાલાણીના માર્ગદર્શન નીચે પ્રતિવર્ષ ૧૫ હજાર જેટલાં યુવાનોનું પરીક્ષણ કરવામાં આવે છે. થેલેસેમિયા એક જેનેટિક બીમારી છે, જે કોઇ બાળકને વારસામાં મળે છે. એટલે જ નવદંપતીઓ લગ્ન પહેલા થેલેસેમિયા તપાસ કરવામાં આવે તો આગામી સમયમાં થેલેસેમિયા મેજર રોગથી પીડાતાં બાળકોના પ્રમાણને ઘટાડી શકાય છે.
Recent Comments