fbpx
ભાવનગર

ભાવનગરમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં રૂ.૭૧.૩૯ કરોડના કામોનું ખાતમુહૂર્ત અને રૂ. ૧૫.૫૬  કરોડના કામોનું લોકાર્પણ કરાયું

ભાવનગરમાં અટલ ઓડીટોરિયમ ખાતે ગુજરાત સરકાર દ્વારા જિલ્લા કક્ષાના વિશ્વાસથી વિકાસ યાત્રા રૂ.૭૧.૩૯ કરોડના ૧૨૭ વિકાસના કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત તથા રૂ. ૧૫.૫૬ કરોડના ૫૫ કામોનું ઇ-લોકાર્પણ કરાયું હતું.

        ગુજરાત સરકાર દ્વારા વિશ્વાસથી વિકાસયાત્રાના આયોજન દરમિયાન વિવિધ વિભાગોના સહયોગથી વિકાસ કાર્યોનું ઈ- લોકાર્પણ અને ઈ- ખાતમુહૂર્ત કરતાં ભાવનગરના મેયરશ્રી કીર્તિબાળા દાણીધારીયા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ છેવાડાનાં વિસ્તારમાં અનેક વિકાસના કામો થયા છે અને હાલમાં પણ અવિરતપણે થઈ રહ્યા છે તેમ આ પ્રસંગે જણાવ્યું હતું.

        તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી બન્યાં પછી સૌના સાથ અને સૌના સહકાર અને વિશ્વાસથી રાજ્યનો સમગ્રતયા વિકાસ કર્યો છે. આજે તેમના વડાપ્રધાન પદના સબળ અને સક્ષમ નેતૃત્વના કારણે દેશની આજે સમગ્ર વિશ્વમાં ગણના થઈ રહી છે.

        કોરોના કાળમાં પણ દેશમાં વૈજ્ઞાનિકો દ્વારા કોરોનાની રસીનું ઉત્પાદન કરીને આજે આ કોરોનાની રસી દેશભરના નાગરિકોને વિના મૂલ્યે પુરી પાડી છે. ઉપરાંત દેશના ગરીબ વર્ગના લોકોને હાલમાં નિઃશૂલ્ક અનાજ પુરુ પાડી વિશ્વભરમાં ભારત દેશનું નામ રોશન કર્યું છે. સરકારની અનેક વિધ યોજનાથી લોકોનું જીવન ધોરણ પણ બદલાયું છે. રસ્તા, પાણી, ગટર, શિક્ષણ અને આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ હવે લોકોને ઘર આંગણે મળતી થઈ છે.

        આ તકે ઉપસ્થિત ગઢડાનાં ધારાસભ્યશ્રી આત્મારામ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના છેલ્લા બે  દાયકા દરમિયાન ગુજરાતનો દરેક ક્ષેત્રમાં વિકાસ થયો હોવાનું જણાવ્યું હતું. રાજ્યમાં લોકોની સુખાકારી વધે તે માટે સિંચાઈ, કૃષિ, શહેરી વિકાસ, આરોગ્ય, ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રે સરકાર વિકાસની નવી કેડી કંડારી રહી છે.

        હાલમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ બજેટમાં મહિલાઓ માટેની ખાસ યોજનાઓનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા સશક્તિકરણ, બેટી બચાઓ-બેટી પઢાઓ, કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોની શરૂઆત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રકલ્પો છે સૌની યોજનાથી નર્મદાનું  પીવાનું પાણી સૌરાષ્ટ્રમાં પણ ગામો ગામ પહોંચતુ કર્યું છે.

        પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં ત્યારે કરેલી પ્રજાલક્ષી કામોની શરૂઆત આજે ડબલ એન્જિનની સરકાર નવા આયામો સાથે સાકાર કરી રહી છે. ગરીબ કલ્યાણ મેળા દ્વારા એક જ જગ્યા એ અનેક યોજનાઓનાં લાભો મળતા થયાં છે

        અટલ ઓડિટોરિયમ ખાતે રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ દર્શાવવામાં આવ્યું હતું. જેમાં વર્ચ્યુઅલ માધ્યમથી દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ તથા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોડાયાં હતાં અને રાજ્યના અનેક વિકાસ કામોના તેઓએ લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યા હતાં.         આ કાર્યક્રમમાં ડે. મેયરશ્રી કૃણાલકુમાર શાહ, મ્યુનિસિપલ કમિશનરશ્રી એન.વી. ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા, શહેર ભા.જ.પા. પ્રમુખશ્રી ડો. રાજીવભાઇ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.જે. પટેલ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts