ભાવનગરમાં શિક્ષિકાની હત્યા કરીને ભાગેલો પતિ ગામની ભાગોળે પહોંચતા વાહન નીચે કચડાઈ ગયો
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંધોળા ગામમાં પતિ-પત્ની વચ્ચે ઘરેલું ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો છે. રંધોળા ગામમાં આવેલી ઓમકાર સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલાને વારંવાર પતિ સાથે ઝઘડા થતાં હતા. જેનો આજે કરૂણ અંજામ આવ્યો છે. પતિએ હથિયારના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી હતી. જાેકે, ત્યાંથી ફરાર થયેલા પતિનું પણ રંધોળા ગામ નજીક અજાણ્યા વાહન અડફેટે મોત નીપજ્યું હતું. આમ, પતિ અને પત્ની બંનેના મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે ઉમરાળા પોલીસ મથકેથી મળતી પ્રાથમિક વિગતો મુજબ ઉમરાળા તાલુકાના રંધોળા ગામમાં આવેલી ઓમકાર સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી અને સ્કૂલના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતી મોનિકાબેન અનિલકુમાર જૈન (ઉં.વ.૩૫)ને તેના પતિ અનિલકુમાર જૈન સાથે અવારનવાર ઝઘડો થતો હતો.
ગત રાત્રીએ દંપતી વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતા વાત વણસી હતી અને ઉશ્કેરાઈ ગયેલા પતિ અનિલ જૈને તેના પત્ની મોનિકાબેનને કોઈ હથિયાર વડે માથાના ભાગે તેમજ કપાળ અને હાથના ભાગે આડેધડ ઘા ઝીંકી દેતા લોહી લુહાણ હલતે મોનિકાબેનને સારવાર અર્થે પ્રથમ સિહોર અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જાેકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ અંગે સ્કૂલના હિતેશભાઈ કનૈયાલાલ દવેએ ઉમરાળા પોલીસમાં તેના પતિ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૨ તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધાવી હતી.
આ દરમિયાનમાં પત્નીને તીક્ષણ હથિયારના ઘા ઝીંકી પતિ અનિલકુમાર જૈન ભાગવા જતા રાત્રીના એક વાગ્યા આસપાસ રંધોળા પાસે આવેલા ટેલિફોન એક્સચેન્જના નાળા પાસે અકસ્માત થયો હતો. અજાણ્યા વાહનની અડફેટે આવી જતા અનિલ જૈનનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું, આ બનાવ અંગે ઉમરાળા પોલીસ મથક અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધમાં અલગ ફરિયાદ નોંધવામાં આવી હતી.
બે દિવસ અગાઉ બનાસકાંઠાના ધાનેરાના રવિ ગામે ભરથરી સમાજના દંપતીનો સામાન્ય ઝઘડો તેમને ૪૫ વર્ષે મોત સુધી લઇ ગયો હતો. રવિ ગામના શંકર દેવજીભાઇ ભરથરીના લગ્ન મંજુલાબેન જાેડે થયા હતા. જેમને બે દીકરીઓ અને બે દીકરા એમ ચાર સંતાનો છે. શુક્રવારે શંકરભાઇ, મંજુલાબેન અને તેમના એક પુત્રની પત્ની ઘરે હાજર હતા. ત્યારે શંકરભાઇ અને મંજુલાબેન વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાઇને શંકરભાઇએ મંજુલાબેનને માથાના ભાગે બોથડ પદાર્થ મારતાં તેઓ ઢળી પડ્યા હતા.
આ ઘટના પુત્રવધુએ નજરે જાેતા તેણે ગભરાઇને તેના પતિને ફોન કરીને કહ્યું હતું કે, પપ્પાએ મમ્મીને માર્યું છે અને તેઓ લોહીલુહાણ હાલતમાં બેભાન થઇ ગયા છે. સમાચાર મળતાં જ તેમનો પુત્ર તુરંત દોડી આવ્યો હતો અને તાબડતોડ મંજૂલાબેનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પત્નીના મોતના સમાચાર મળતાં જ પસ્તાયેલા શંકરભાઇએ ગામના તળાવની પાળે ગળફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જેની જાણ ગામના સરપંતે શંકરભાઇના પુત્રને ફોન કરીને કરી હતી. આ સમગ્ર મામલે મંજુલાના મૃતદેહને પાથાવાડા રેફરલ અને શંકરભાઇના મૃતદેહને ધાનેરા રેફરલ પી.એમ અર્થે ખસેડાયા છે. આ સમગ્ર મામલે ધાનેરા પોલીસે વધું તપાસ હાથ ધરી હતી.
Recent Comments