ડો. સી.વી.રામનના જન્મદિવસ અને અદ્ભુત “રામન ઈફેક્ટ”ની શોધ કરનાર, નોબલ પ્રાઈઝ મેળવનાર મહાન વૈજ્ઞાનિકની યાદમાં પૂરા ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાની મોટાસુરકા પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન-ગણિત અને અભ્યાસલક્ષી મોડેલનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિતે શાળાઓમાં અનેક વિધ કાર્યક્રમો કરવામાં આવે છે જેના ભાગરૂપે સિહોરની મોટાસુરકા પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન-ગણિત અને અભ્યાસલક્ષી મોડેલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોમા પડેલી અદભૂત શક્તિ ખીલવવા, વિકસાવવા, વિજ્ઞાન પ્રત્યે રસ ઉત્પન્ન થાય અને ઈનોવેટીવ વિચારોનું આદનપ્રદાન થાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.
મોટાસુરકા પ્રાથમિક શાળાનાં પટાંગણમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા બનાવેલ અદ્ભુત વિજ્ઞાન- ગણિત અને અભ્યાસલક્ષી મોડેલનુ નિર્માણ કરવામાં આવ્યું હતું અને જેમાં માર્ગદર્શક શિક્ષક નિરવભાઈ ચૌહાણ દ્વારા બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું અને સાથે વિજ્ઞાન અને વિવિધ શોધો વિષે પરિચિત કરવામાં આવ્યાં હતા. આ વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં વિવિધ ૭૦થી વધુ મોડેલ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવ્યાં હતા.
આ પ્રદર્શનમાં ગામના વાલી, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપરાંત બોરડી પ્રાથમિક શાળા અને વળાવડ પ્રાથમિક શાળાનાં શિક્ષકમિત્રો, બાળકોએ ઉત્સાહપૂર્વક પ્રદર્શન નિહાળ્યું. આ ઉપરાંત આ પ્રદર્શન થકી બાળકોમાં પડેલી શક્તિને બહાર લાવવા પ્રયાસ છેલ્લા ઘણા વર્ષોથી મોટાસુરકા પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવી રહ્યું છે. આ તકે શાળાનાં આચાર્ય અને શાળા પરિવારનો સંપૂર્ણ સહકાર રહ્યો હતો.
Recent Comments