ભાવનગર

ભાવનગર કોર્પોરેશનની સાધારણ સભામાં વિરોધ પક્ષના નેતાએ અધિકારીઓ રૂપિયા પડાવે છે તેવો આક્ષેપ કર્યો

ભાવનગર કોર્પોરેશનની મળેલી સાધારણ સભામાં ભરતભાઈ બુધેલીયાએ ઈએસઆર સંદર્ભે પ્રશ્નો પૂછતા વોટર વર્કસ અધિકારી દ્વારા તમામ ઈએસઆર અને પાણીના નેટવર્ક બાબતે વિગતવાર માહિતી આપી હતી જ્યારે પ્રશ્નોત્તરી સમયે જ શાસક પક્ષ દ્વારા વ્યૂહરચના ઘડી હોય તેમ એક પછી એક શાસક પક્ષના સભ્યો દ્વારા ઇએસઆર અને પાણી સંદર્ભના પ્રશ્નો ઊભા કરી કોંગ્રેસના અન્ય સભ્યના રોડ બાબતના પ્રશ્નની ચર્ચા ન થાય તે માટે નિરર્થક વાતો લંબાવી પ્રશ્નોત્તરી કાળને પૂર્ણ કર્યો હતો. જ્યારે લીઝ પટ્ટાની મુદ્દત રિન્યૂ કરવાના કાર્યમાં વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુધેલીયાએ સીધા જ અધિકારીઓને ટાર્ગેટ કર્યા હતા. અને ખુલ્લેઆમ અધિકારીઓ દ્વારા અરજદારોને ખોટી રીતે હેરાનગતિ કરી રૂપિયા લેતા હોવાના આક્ષેપો કર્યા હતા.

તેઓએ જણાવ્યું હતું કે, લીઝ પટ્ટામાં અધિકારી દ્વારા ૧૫ લાખ રૂપિયા લીધા હોવા છતાં કામ ન કર્યુ. જે અધિકારી પણ નિવૃત્ત થઈ ગયા. ત્યારબાદ અન્ય એક કામમાં પણ રૂ.૭.૫૦ લાખ લીધા છે. જે પૈકીના એક અધિકારી પણ નિવૃત્ત થઈ ગયા છે. એટલું જ નહીં પરંતુ ફાયર બ્રિગેડના સાતથી આઠ હજાર રૂપિયાના પગારમાં નોકરી કરતા કર્મચારી પાસેથી પણ દસ-બાર હજાર રૂપિયા ઉઘરાવાય છે. તેમજ ફાયર એન.ઓ.સી. આપવાના ૫૦૦૦૦ રૂપિયા લેવાય છે. ભ્રષ્ટાચાર આચરી કાચના ઘરમાં રહેતા અધિકારીઓ દાદાગીરી કરી નાના માણસોને દબાવી પૈસા પડાવે છે.

અધિકારીઓ બિલ્ડર બની ગયા હોવાનું જણાવી ફાયર બ્રિગેડના કર્મચારીની આંતરિક વાતોનો ઓડિયો ક્લિપ સભામાં સંભળાવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના ઉછળી ઉઠયા હતા અને તે અધિકારીએ રૂપિયા લીધા હોય તેનું નામ જાહેર કરવા અને સાબિત થાય તો તાત્કાલિક તેની સામે કાર્યવાહી કરવા પણ મક્કમતા દેખાડી હતી. જેથી ભાજપના તમામ સભ્યો ઉભા થઈ સત્તા સ્થાને ભાજપ હોવાને કારણે તેમની પર લાંછન લાગી રહ્યું હોવાથી ભ્રષ્ટ અધિકારીનું નામ જાહેર કરવા વિપક્ષી સભ્યોને ભિડવ્યા હતા. વિપક્ષી સભ્યો દ્વારા ઓડિયો ક્લિપનું પુનરાવર્તન કરતા મેયરે ચર્ચા વગર તમામ નવ કાર્યોને બહાલી આપી શાસકના સભ્યોએ સભાગૃહને છોડી ચાલતી પકડી હતી.

સભામાં ફાયર એન.ઓ.સી. માટે કોઈ પાર્ટી સાથે મોબાઇલમાં વાતચીતનો વિડીયો ક્લિપ દર્શાવી હતી. જેમાં કોર્પોરેશનની ફાયર બ્રિગેડની નહીં પરંતુ આરએફઓની ઓફિસનો વિડીયો છે. જેમાં વિડીયો ક્લિપની શરૂઆતથી ઓડિયો બંધ છે. અને અંતમાં આરએફઓ કોઈ પાર્ટી સાથે વાતચીતમાં હોસ્પિટલના એનઓસી બાબતે ૧૦,૦૦૦ અને ૫,૦૦૦ ની વાત કરે છે. પરંતુ તેમાં કોઈ સ્પષ્ટતા નથી કે, ૧૦,૦૦૦ લીટર પાણીનો ટાંકો કે રૂપિયા ? તે મુદ્દે કોર્પોરેશનના કર્મચારી વર્તુળમાં ભારે ચર્ચા થઈ રહી છે.ભાવનગર કોર્પોરેશનની સાધારણ સભામાં વિરોધ પક્ષના નેતાએ સીધે સીધા અધિકારીઓને ટાર્ગેટ કરી લાંચ લેતા હોવાના આક્ષેપો કર્યા હતાં.

સભામાં ઓડિયો ક્લિપ સંભળાવી ફાયર બ્રિગેડમાં કર્મચારીઓ પાસેથી પણ રૂપિયા લીધા હોવા સાથે લીઝ પટ્ટામાં અધિકારી દ્વારા ૧૫ લાખ અને બીજામાં રૂ.૭.૫૦ લાખ તેમજ ફાયર એનઓસી માં પણ રૂ.૫૦ હજાર લીધા હોવાના સણસણતા આક્ષેપો કરતા શાસકના સભ્યો પણ ઉછળી ઉઠ્‌યા હતા અને જાે સાબિત થાય તો તેની સામે પગલા લેવા પણ મક્કમ રહ્યા હતા. જાેકે, શાસકનો હઠાગ્રહ છતાં વિપક્ષી નેતાએ ક્યાં અધિકારીએ રૂપિયા લીધા તે નામ જાહેર કર્યા ના હતા.

Related Posts