ભાવનગર ગદ્યસભાને તેના એકત્રીસમા સ્થાપના દિને વરિષ્ઠ સર્જક અને ગદ્યસભાના પ્રમુખ શ્રી ગંભીરસિંહજી ગોહિલ દ્વારા મળ્યું એક લાખ રૂપિયાનું અનુદાન
સુશ્રુતોની સિસૃક્ષાને પોષતી અને નવોદિતોને રચનાત્મક ભાષાકર્મ અને સર્જન તરફ રસ જગાવતી ભાવનગર ગદ્યસભા નવમી ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ ત્રીસ વર્ષ પૂરા કરીને એકત્રીસમા વર્ષમાં પ્રવેશ કરે છે. ત્યારે ગદ્યસભાના વર્તમાન પ્રમુખ અને શામળદાસ કૉલેજના નિવૃત્ત આચાર્ય, વરિષ્ઠ સર્જક શ્રી ગંભીરસિંહજી ગોહિલ દ્વારા ગદ્યસભાને તેના એકત્રીસમા સ્થાપના દિને એક લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું. સાહિત્યની સેવા કરતી આ સંસ્થાની સાહિત્યિક પ્રવૃત્તિઓને વેગ આપવાના હેતુથી મળેલ આ માતબર અનુદાનને ગદ્યસભાના સર્જકો સર્વશ્રી માય ડિયર જયુ, મહેન્દ્રસિંહ પરમાર, નટવર વ્યાસ, અજય ઓઝા, પ્રવીણ સરવૈયા વગેરેએ આવકાર આપી પ્રમુખ શ્રી ગંભીરસિંહજી ગોહિલનો આભાર માનેલ.
અત્રે એ યાદ રહે કે ગદ્યસભાએ તેના પચીસમા સ્થાપના દિવસે દર માસની નવમી તારીખે પુરા બાર મહિના સુધી રાજ્યકક્ષાના વિવિધ સાહિત્યિક કાર્યક્રમો આપીને ગુજરાતી ગદ્યસાહિત્યમાં ભાવનગરનું નામ રોશન કરેલ. હાલ દર ગુરુવારે શામળદાસ કોલેજના અધ્યાપક ખંડમાં મળતી ગદ્યસભામાં ગદ્યનાં સર્જકો દ્વારા કૃતિઓનું પઠન કરવામાં આવે છે. અને તેના પર ચર્ચાઓ થાય છે.
ભાવનગર ગદ્યસભા વ્યક્તિમાં પડેલી સર્જન ક્ષમતાને બહાર લાવવા પ્રયત્નશીલ છે. ઉપરાંત સાહિત્યની ગુણવત્તા ઉત્તરોત્તર સુધારવી, વિવિધ હેતુઓ સાથેના સેમિનારો – લેખન શિબિરો અને સંપાદનો કરવા, કોઇ પણ ઔપચારિકતા વગર તમામ લોકો માટે ખુલ્લો મંચ પૂરો પાડવો એ ગદ્યસભાના મુખ્ય હેતુઓ છે.
ગદ્યસભાએ ‘ વાર્તા આમ છે ‘ અને ‘ કૂંપળ ફૂટે ‘ જેવાં ઉત્કૃષ્ટ સંપાદનોનું પ્રકાશન કરેલ છે. વાર્તા, લઘુકથા, નિબંધ, ગદ્યકાવ્ય, એકાંકી જેવી ખુલ્લી સ્પર્ધાઓ ગદ્યસભા દ્વારા અવારનવાર યોજાય છે.
ગદ્યસભાને ગંભીરસિંહજી ગોહિલ, માય ડિયર જયુ અને મહેન્દ્રસિંહ પરમારનું માર્ગદર્શન મળતું રહે છે. તેમજ લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારોની મુલાકાતો પણ યોજાતી રહે છે.
ગદ્યરસિકો માટેનાં આ ચર્ચાસ્થળ પર સર્જકો તેમજ નવોદિતો સૌને પ્રસ્તુત થવાની સમાન તક મળે છે. અને નૂતન સર્જકોનું ઘડતર થતું રહે છે. નિખાલસ ચર્ચા, હળવાશભર્યું વાતાવરણ અને ગદ્યસ્વરૂપોના વિકાસ સંબંધી જરૂરી ચર્ચા એ ગદ્યસભાની વિશેષતા રહી છે. જે ભાવનગર માટે ગૌરવની વાત ગણાય.
આ સાથે ગદ્યસભા તેના દિવંગત સર્જકો વિનોદ અમલાણી, ઇજ્જતકુમાર ત્રિવેદી, નરેન બારડ, જયંતદાદા પાઠક, બંકિમચન્દ્ર વૈદ્ય, દિનકર પથિક, યોગેશભાઇ જોશી વગેરેની સેવાઓને યાદ કરી તેમની સાહિત્યિક પ્રવૃત્તિઓને બિરદાવે છે.
વર્તમાન ગદ્યસભા શામળદાસ કોલેજ, ભાવનગરના અધ્યાપક ખંડમાં દર ગુરુવારે સાંજના ૫:૩૦ થી ૭:૦૦ વાગ્યા દરમ્યાન મળે છે. જેમાં સાહિત્યમાં રસ લેતાં સર્જકો અને ભાવકો આવકાર્ય છે, તેમ એક યાદીમાં જણાવાયું છે.
Recent Comments