‘તાઉ તે’ વાવાઝોડું ભાવનગર જિલ્લામાં ટકરાવવાની પૂરી સંભાવનાને પગલે ભાવનગર જિલ્લાના દરિયાકિનારા નજીકના ૪૩ ગામોના કાચાં-પાકાં, છાપરાંવાળા તથા હંગામી મકાનમાં રહેતાં લોકોને તાત્કાલિક અસરથી સલામત સ્થળે ખસી જવાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ સિવાયના ૬૨૩ ગામોના લોકો પણ પાકા મકાનોમાં તથા નજીકના આશ્રય સ્થાનોમાં સલામત આશ્રયસ્થાન મેળવી લે તે ઇચ્છનીય છે.
રીક્ષા દ્વારા ગામે ગામ આ માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે. તે ઉપરાંત પોલીસ તેમજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ લોકોને સમજાવી સલામત સ્થળે ખસી જવાં વિનંતી કરવામાં આવી રહી છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ આગાહી પ્રમાણે ‘તાઉ તે’ વાવાઝોડું ભાવનગર જિલ્લાને મોટાપાયા પર અસર કરે તેવી શક્યતા છે. આ વાવાઝોડાની અસર તળે જિલ્લામાં ભારે પવન ફુંકાવા સાથે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
આ સંદર્ભેમાં પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી સચિવશ્રી સોનલ મિશ્રાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લાના દરિયાકિનારે આવેલાં ૪૩ ગામોમાં ખાસ અસર થવાની સંભાવના છે. આ ઉપરાંતના ૬૬૩ ગ્રામ પંચાયત વિસ્તારોમાં પણ ભારે પવન ફૂકાવાં સાથે ભારે વરસાદ થવાની પૂરી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે.
તેથી આવા ગામોના નિચાણવાળા વિસ્તારોમાંથી માછીમારો તથા આ ગામના લોકો નજીકના આશ્રય સ્થાનોમાં સલામત આશ્રયસ્થાન મેળવી લે તે હિતાવહ છે.
આવા ગામના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. આ ગામોમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે ગામોના તલાટી કમ મંત્રી થી લઇને સરપંચ સુધીના તંત્રને સાબદુ કરવામાં આવ્યું છે.
છતાં, વાવાઝોડાની તીવ્રતાને ધ્યાનમાં લઇને આ ગામોમાં કાચાં- પાકા મકાનોમાં તથા પતરાં કે કામચલાઉ મકાનોમાં તેમજ જર્જરિત મકાનોમાં રહેતાં લોકો નજીકના સગાં-વ્હાલાના પાકા મકાનોમાં કે નજીક આવેલાં આશ્રય સ્થાનોમાં આશરો લે તે માટે જિલ્લા કલેક્ટરશ્રીએ અપીલ કરી છે.
આ અંગે કાર્યવાહી કરવાં સંબંધિત શ્રી પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને સૂચના આપી દેવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્ર તથા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ‘તાઉ તે’ વાવાઝોડા થકી જિલ્લામાં જાનમાલની કોઈ નુકસાની ન થાય તે માટે અનેક પગલાંઓ લેવાઈ રહ્યાં છે.
તંત્ર દ્વારા જોખમી હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી હાલ યુદ્ધના ધોરણે શરૂ છે.વોર્ડ વાઇઝ જુદી જુદી ટીમો બનાવી અત્યાર સુધીમાં શહેરના તમામ સ્થળોએથી જોખમકારક હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે.સાથે સાથે જોખમી વૃક્ષો તથા જર્જરિત ઇમારતો પણ દૂર કરવામાં આવી રહી છે. ડ્રેનેજ તથા નદી-નાળાના વહેણમાંથી કચરો દૂર કરી ચોખ્ખા કરવામાં આવી રહ્યા છે.તેમજ જોખમી ઇમારતો નજીક રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.
તાઉ’તે વાવાઝોડાની સામે લોકોની સુરક્ષા અને સલામતી માટે દરિયાકિનારાના ગામો અને ઝૂંપડપટ્ટીના વિસ્તારની મુલાકાત લઈ લોકોને વાવાઝોડા સામે રક્ષણ અને સલામતી માટે સમજણ આપવામાં આવી છે.
વાવાઝોડું આવે તે દરમ્યાન લોકોને તેમની સલામતી માટે શું -શું પગલાં લઇ શકાય તે માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. વાવાઝોડાની અસર દરિયાકિનારાના વિસ્તારમાં થાય તે દરમ્યાન લોકોનું સ્થળાંતર કરવામાં સાથ સહકાર આપવા માટે પણ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ઉપરાંત વાવાઝોડાની અસર થાય તે દરમ્યાન જિલ્લા વહીવટી તંત્ર દ્રારા અસરગ્રસ્ત વિસ્તારના લોકોની સુરક્ષા, સલામતી અને રહેણાંક માટેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે.
કલેકટરશ્રી દ્વારા વીજ થાંભલાઓ પડી જવાના કારણે વીજ પુરવઠો ખોરવાઇ જાય તો તેને કારણે હોસ્પિટલમાં રહેતા દર્દીઓની સારવાર માટે કોઈ પ્રશ્ન ન થાય તે માટે થઈને જનરેટર અને વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવાં માટે જરૂરી પગલાં લેવાં જણાવવામાં આવ્યું હતું.
સરકારશ્રીની સ્થાયી સુચનાઓ મુજબ જાન અને માલનું નુકસાન ન થાય તે માટે જરૂરી પગલાં લેવા તેમજ પેટ્રોલ- ડીઝલ, અનાજ, દૂધ વિગેરેનો પુરવઠો જળવાઈ રહે તે માટેના પણ જરૂરી પગલાં લેવા જણાવવામાં આવ્યું હતું.
કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે,રોડ પર ઝાડ પડવાને કારણે રસ્તાઓ બંધ થાય તો એ ખસેડવા માટેની વ્યવસ્થાઓ અને સાધનોની વ્યવસ્થા પણ કરી રાખવા જણાવ્યું હતું.
કલેકટરશ્રીએ વાવાઝોડાની પરિસ્થિતિના સામના માટે જિલ્લાના તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાં તથા પોતાના વિસ્તારમાં અધિકારીઓ હાજર રહી એલર્ટ રહે અને સર્વે માટેની ટીમો તૈયાર રાખવા સહિતનું આયોજન કરવા જણાવ્યું હતું. પીવાના પાણી માટેની ટાંકી- સંપ ભરી રાખવા તથા પ્રાથમિક શાળામાં આશ્રયસ્થાનો ઉભા કરવાની જરૂરીયાત જણાય તો સ્થાનિક અધિકારીઓ પાસે શાળાની ચાવી હાથવગી રાખવાં જણાવ્યું હતું.
કલેકટરશ્રીએ કહ્યું કે, કુદરતી આપત્તિની અટકાવી શકાતી નથી, પરંતું પુરતી તૈયારી સાથે કરવામાં આવેલા આગોતરા આયોજનથી તેની અસરને ચોક્કસ ઓછી કરી શકાય છે.
તેમણે જણાવ્યું કે, વાવાઝોડામાં વીજ પુરવઠો ખોરવાય તો કોવિડની પરિસ્થિતિમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓ માટે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં પાવર બેક- અપની વ્યવસ્થા કરી રાખવી જરૂરી છે. હોસ્પિટલોમાં ખાલી થયેલા ઓક્સિજનના તમામ સિલિન્ડરોને ભરાવી રાખવા તેમણે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલ સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
Recent Comments